ડાબા પગના જૂતાંનું અને જમણા પગનાં જૂતાંનું અલગ અલગ બિલ!

મુંબઇ: ગુડસ એન્ડ સર્વિસ ટેકસની ગૂંચવણમાં દેશના અનેક વેપારીઓ ટેકસથી બચવા માટે છટકબારીઓ શોધી રહ્યા છે. તેમણે આ પદ્ધતિનો અમલ પણ શરૂ કરી દીધો છે. વેચાણની જુદી જુદી પદ્ધતિઓ અપનાવીને તેઓ જીએસટીમાંથી છટકવાની બારી શોધી રહ્યા છે. વેપારીઓ જૂતાં અને ચંપલની જોડીને બદલે તેને અલગ અલગ વેચવા લાગ્યા છે. બે જૂતાં જુદાં જુદાં વેચીને તેનાં બે બિલ બનાવવાનું શરૂ કરી દીધું છે. એ જ રીતે મહિલાઓના રે‌ડીમેડ ગાર્મેન્ટના વેપારીઓ સલવાર સૂટ અને દુપટ્ટો અલગ અલગ વેચી રહ્યા છે.

બાસમતી ચોખા વેચતી કંપનીએ વર્ષો સુધી એડ્વર્ટાઇઝમેન્ટ આપીને બ્રાન્ડ બનાવનારી કંપનીએ હવે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન પાછું ખેંચવાની તૈયારીઓ શરૂ કરી છે. આ કંપનીએ વેપારીઓને જણાવ્યું કે જે બ્રાન્ડનો ટ્રેડમાર્ક ન નોંધવામાં આવ્યો હોય તેના પર ટેકસમાં રાહતનો દાવો ન કરવો.

પોતાની પ્રોડકટનેે જીએસટી લાગુુ થવાથી બચાવવા અને ઓછો ટેકસ લાગે તે માટે વેપારીઓ જાત જાતની તરકીબો અજમાવી રહ્યા છે. જીએસટી કાઉન્સિલે સામાન્ય ગ્રાહકોને આપેલી રાહતોની જોગવાઇનો લાભ વેપારીઓ લેવા લાગ્યા છે. પ૦૦ રૂપિયા કરતાં ઓછા ભાવના જૂતાં ચંપલ પર પાંચ ટકા અને પ૦૦ રૂપિયા કરતાં વધારે કિંમતના જૂતાં-ચંપલ પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આ રીતે ૧,૦૦૦ રૂપિયા કરતાં ઓછી કિંમતના તૈયાર કપડાં પર પાંચ ટકા અને તેના કરતાં વધારે કિંમતના તૈયાર કપડાં પર ૧ર ટકા જીએસટી લાગુ થયો છે. આ રીતે રેડીમેડ ગાર્મેન્ટના વેપારીઓ એક જોડી કપડાં અલગ અલગ બિલ બનાવીને વેચી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like