વેપારીઓને GSTની સ્ક્રૂટિની નોટિસ મોકલવાની શરૂ કરાઈ

નવી દિલ્હી: જીએસટીના અધિકારીઓએ કંપનીઓને સ્ક્રૂટિની નોટિસ મોકલવાની શરૂ કરી દીધી છે. કંપનીઓની કર ચુકવણી અને તેના અંતિમ સેલ્સના રિટર્ન સાથે મેચ ખાતી ન હોઇ આવી કંપનીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ૩૪ ટકા જીએસટી ચુકવણીમાં ઘટ જોવા મળી રહી છે.

૧ જુલાઇથી જીએસટી લાગુ થયા બાદ ૧૦ મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ રિટર્નને લઇને કેટલીક વિસંગતતાઓ જોવા મળી રહી છે. જે કંપનીઓના અંતિમ સેલ્સ રિટર્ન જીએસટીઆર-૧ સિસ્ટમમાં ઓટો જનરેટ થતા પર્ચેઝ રિટર્ન જીએસટીઆર-૨-એ સાથે મેચ થતા ન હોય તેવી કંપનીઓને ચકાસણી માટે ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોટિસ મોકલવાની શરૂ કરવામાં આવી છે.

માર્ચના અંતમાં કરાયેલા વિશ્લેષણ અનુસાર જુલાઇથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પ્રારંભિક સમરી રિટર્ન જીએસટીઆર-૩-બી ભરતી વખતે એક અંદાજ મુજબ રૂ. ૩૪,૪૦૦ કરોડનો ટેક્સ ઓછો ભર્યો હતો. આ ૩૪ ટકા વેપારીઓએ જીએસટીઆર-૩-બી ભરતી વખતે સરકારમાં રૂ. ૮.૧૬ લાખ કરોડ કરની ચુકવણી કરી હતી.

વિશ્લેષણ બાદ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓને એવું જાણવા મળ્યું હતું કે વેપારીઓએ ૮.૫૦ લાખ કરોડનો ટેક્સ ભરવાનો થતો હતો. ગુજરાત સહિત રાજ્યોના જીએસટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોકલાયેલ નોટિસ સંદર્ભે જવાબ આપવાનો સમય પણ આપવામાં આવ્યો છે.

નોટિસનો ૧૪ મે સુધીમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. આ સમયગાળા સુધીમાં જવાબ આપવામાં જો નહીં આવે તો ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની પણ નોટિસમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દરમિયાન ટેક્સ પ્રેક્ટિસનર્સના જણાવ્યા પ્રમાણે ગુડ્સ એન્ડ સર્વિસટેક્સના કાયદા પ્રમાણે ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી દ્વારા મોકલાયેલ નોટિસના જવાબ માટે ૩૦ દિવસનો સમય હોય છે, પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર ૧૦ જ દિવસ જવાબ આપવાની તક અપાઇ છે, જે એક ચિંતાનો વિષય છે.

You might also like