જીએસટી અંગે અન્ય દેશોના અનુભવ પરથી ભારત શીખે

નવી દિલ્હી: ગુડ્સ અને સર્વિસ ટેક્સના સુધારાને લાગુ કરતાં પૂર્વે ભારતે અન્ય દેશો ઉપરથી શીખ લઇ સાવધાનીપૂર્વકનાં પગલાં ભરવાની જરૂર છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ તથા ટેક્સ કન્સલ્ટન્સી સેવા પૂરી પાડતી અગ્રણી કંપની ડેલોયટના સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે મલેશિયા, કેનેડા જેવા અન્ય દેશોના અનુભવમાંથી ભારતે શીખ લેવી જોઇએ કે જેનો સામનો ભારત હાલ કરી રહ્યું છે. આ રિપોર્ટમાં મોટી કંપનીઓના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર-સીએફઓનો મત પણ લેવામાં આવ્યો હતો.

પાછલા સપ્તાહે જીએસટી કાઉન્સિલે જીએસટી ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે, જેમાં જીએસટીની અમલવારી થયા બાદ અન્ય રાજ્યને થતા નુકસાન સામે પૂરેપૂરું વળતર આપવાની જોગવાઇ કરાઇ છે. સરકાર દ્વારા અગાઉ ૧ એપ્રિલ, ૨૦૧૭થી જીએસટીની અમલવારી કરવાનું આયોજન હતું, પરંતુ ડ્રાફ્ટમાં સુધારા વધારાને લઇને ઊભા થયેલા વિવાદના કારણે વિલંબ થયો હતો. હવે ૧ જુલાઇથી જીએસટીની અમલવારી કરવાનું સરકારે મન બનાવ્યું છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સર્વેમાં સામેલ સીએફઓમાંથી એક અંદાજ મુજબ ૫૭ ટકાનું માનવું છે કે જીએસટીમાં ટેક્સ એકાઉન્ટિંગ સિસ્ટમ, સપ્લાય ચેઇનમાં વ્યાપક ફેરફાર થશે.

રિપોર્ટમાં વધુમાં કહ્યું છે કે જીએસટીની સફળતા માટે જરૂરી તૈયારી અને કાયદાની પૂરતી જાણકારી ખૂબ જ જરૂરી છે. મલેશિયામાં એપ્રિલ-૨૦૧૫થી જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. વેપારીઓને તેની તૈયારી માટે દોઢ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મલેશિયાની સરખામણીએ ભારતમાં વધુ તૈયારીઓ કરવાની જરૂરિયાત છે. મલેશિયાની ટેક્સની સિસ્ટમની સરખામણીએ ભારતનું ટેક્સનું માળખું વધુ જટિલ છે તેમ રિપોર્ટમાં જણાવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like