જીએસટી ઈમ્પેક્ટઃ હવે રાજ્ય વચ્ચે ચેકપોસ્ટ નાબૂદ કરાશે

નવી દિલ્હી: સ્વાતંત્ર્ય બાદ સૌથી મોટા આર્થિક સુધારા સમાન જીએસટી બિલમાં ખાસ કરીને વિવિધ રાજ્યની સરહદે ચેકપોસ્ટ પર જામતી ટ્રકની લાંબી કતાર નિવારવાની સમસ્યા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. બોર્ડર ચેકપોસ્ટ પર ચેકિંગના કારણે ટ્રકની કતાર જામે છે, જેના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલસામાન પહોંચાડવા પાછળ ઘણો લાંબો સમય બરબાદ થાય છે. જીએસટીમાં આ સમસ્યા પર ધ્યાન આપવામાં આવશે. જીએસટીનો અમલ શરૂ થશે એટલે બોર્ડર પર ટ્રકની કતાર જામશે નહીં અને રાજ્ય વચ્ચે ચેકપોસ્ટ પણ નાબૂદ થઇ જશે, જેની સીધી અસર અર્થતંત્ર પર પડશે.

જીએસટી કાઉન્સિલ બોર્ડર પર ટ્રકની અવરજવરના અવરોધને દૂર કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાશે, જેના પગલે અર્થતંત્ર પર માલસામાનની વિલંબિત ડિલિવરીના કારણે થતું નુકસાન બચાવી શકાશે. આઇઆઇએમ કોલકાતાના એક અભ્યાસ અનુસાર બોર્ડર ચેકપોસ્ટ પર થતા વિલંબના કારણે અર્થતંત્રને લગભગ રૂ. ૪૩,૦૦૦ કરોડનું નુકસાન થાય છે. આ ઉપરાંત ચેકપોસ્ટ પર ઇંધણ પણ બરબાદ થાય છે. હાઇવે મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે રોકવામાં આવતી ટ્રકની સંખ્યા એક ટકાથી પણ ઓછી હોય છે.

એક કન્સલ્ટન્સી ફર્મના અભ્યાસમાં જણાવાયું છે કે ટ્રકનો ચેકપોસ્ટ પર બરબાદ થતો સમય કુલ પ્રવાસ સમયના ૧૦ ટકા જેટલો છે. કેટલાંક રાજ્ય જેવાં કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા બોર્ડર ચેકપોસ્ટ પર ચેકિંગની જગ્યાએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ સિસ્ટમનો અમલ કરી ચૂક્યા છે. જીએસટી કાઉન્સિલ ટાસ્ક ફોર્સ આ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
http://sambhaavnews.com/

You might also like