જીએસટીને ત્રણ મહિના પૂરા છતાં પ્રાથમિક મુશ્કેલીઓ યથાવત્

જીએસટી લાગુ થયાને ત્રણ મહિના કરતા વધુનો સમય થઇ ચૂક્યો છે. તેમ છતાંય કેટલીક પ્રાથમિક મુશ્કેલીઓ વચ્ચે વેપારીઓ અને ટેક્સ નિષ્ણાતો સહિત સરકારી અધિકારીઓ પણ અટવાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વેપારીઓને રિટર્ન ભરવાની અને બિલ અપલોડ કરવા જેવી સામાન્ય મુશ્કેલીઓનો ઉકેલ આવી શક્યો નથી.

ઉલ્લેખનીય છે કે ૧ જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થયો હતો. ટેકનિકલ ખામીઓ તથા જીએસટી નેટવર્ક સર્વરની ધીમી કામગીરીના કારણે રિટર્ન ભરવાની અંતિમ તારીખોમાં વારંવાર વધારો કરાયો છે. તે જ બતાવે છે કે વેપારીઓને જીએસટી ભરવામાં પ્રાથમિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેક્સ બાર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે જીએસટીના અમલને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં વેપારીઓને રિટર્ન ભરવામાં બેથી ત્રણ કલાક જેટલા સમયનો ભોગ આપવો પડી રહ્યો છે. ખાસ કરીને સર્વર નેટવર્કની તકલીફને કારણે વેપારીઓ રિટર્ન ભરી શકતા નથી. જુલાઇ મહિનાના રિટર્ન ભરવામાં વિલંબ થવાના કારણે પેનલ્ટી માફ કરવામાં આવી હતી, જોકે આ પેનલ્ટી માફી પણ ટેક્સ બાર એસોસિયેશનની માગણીના કેટલાક દિવસો બાદ અપાઇ હતી. ઓગસ્ટ મહિનામાં માફી આપવાના સમાચાર વહેતા થયા છે. તેમ છતાં આ અંગે સત્તાવાર રીતે કોઇ સર્ક્યુલર બહાર પડાયો નથી અને તેના કારણે હજુ પણ ટેક્સ નિષ્ણાતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

જીએસટી કાઉન્સિલની આગામી છઠ્ઠી તારીખે મિટિંગ મળી રહી છે, જેમાં રિટર્ન સહિત કેટલાક પ્રશ્નો ઉકેલાય તેવી શક્યતાઓ છે. આ અંગે ટેક્સ બાર એસોસિયેશનના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે રિટર્ન અપલોડ કરવામાં હજુ પણ મુશ્કેલીઓ અનુભવવી પડી રહી છે. વેપારીઓને કાયદા મુજબ ત્રણ જ રિટર્ન ભરવાના થતા હતા, પરંતુ એક યા બીજા કારણસર વેપારીને મહિને ચાર રિટર્ન ભરવાના થાય છે, જેના કારણે ટેક્સ નિષ્ણાતો તથા વેપારીઓને પારાવાર મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

You might also like