જીએસટીના ચાર સ્તરીય માળખાથી રાજ્યના વેપાર-ઉદ્યોગને રાહત

અમદાવાદ: પાછલા કેટલાક સમયથી જીએસટીના રેટનું માળખું કેવું હશે તે અંગે અનિર્ણાયક અને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હતી. ગઇ કાલે કેન્દ્ર સરકારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ઝીરો ટકા સહિત ચાર સ્તરીય ટેક્સ માળખું સર્વસંમતિથી ઊભું કરવાના નિર્ણયના પગલે રાજ્યના વેપાર ઉદ્યોગને તેનો સીધો ફાયદો થશે તેવો મત સ્થાનિક ઉદ્યોગજગતના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

તેઓના કહેવા પ્રમાણે અગાઉ જીએસટીના અગાઉના ડ્રાફ્ટ મુજબ હાયર રેટ ૪૦ ટકા લાવવાની દરખાસ્ત કરાઇ હતી, પરંતુ તેના બદલે ૨૮ ટકા જેટલો ઊંચો ટેક્સ લાદવાનું નક્કી કરાતાં મોંઘવારીમાં કંઇક અંશે રાહત થશે તથા ચાર સ્તરીય ટેક્સ માળખાના કારણે વેપાર ઉદ્યોગ-ધંધાને તેનો સીધો ફાયદો થવાની આશા વ્યક્ત થઇ રહી છે. આ અંગે મસ્કતી કાપડ માર્કેટના મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે સરકારે જીએસટીના માળખા અંગેનો નિર્ણય લઇ લીધો છે. રાજ્યના વેપાર ઉદ્યોગને તેનો લાંબા ગાળે સીધો ફાયદો થશે. ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટરમાં રાજ્યમાં મોટો કારોબાર જોવા મળે છે.

સરકાર દ્વારા હાલ નક્કી કરાયેલા રેટના કારણે લાંબા ગાળે ટેક્સટાઇલ સેક્ટરને ફાયદો થશે એટલું જ નહીં હાલ જુદાં જુદાં રાજ્યોમાં વેટના જુદા જુદા રેટના કારણે ટેક્સટાઇલ સેક્ટરને બિનજરૂરી હરીફાઇનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં એક જ પ્રકારનું ટેક્સ માળખું ઊભું થવાના કારણે હરીફાઇ વધશે તથા તેની સામે ઓનલાઇન સિસ્ટમ ગોઠવવાના કારણે કરચોરીનું પણ પ્રમાણ ઘટશે. તેમણે વધુમાં જણાવ્યું કે જીએસટીના કારણે ટેક્સટાઇલ સેક્ટરમાં નવું વિદેશી રોકાણ આવશે તથા રોજગારીમાં પણ તેનાથી વધારો થશે.

You might also like