ગુજરાત ચેમ્બરમાં વિવિધ વેપારી એસોસિયેશનને GSTનું માર્ગદર્શન અપાશે

અમદાવાદ: જીએસટીના અમલનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે, પરંતુ નિયમો અને કાયદા અંગે હજુ પણ વેપારીઓમાં અસ્પષ્ટતા અને મૂંઝવણ પ્રવર્તતી જોવા મળી રહી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ નાના વેપારીઓની આ મુશ્કેલી અને મૂંઝવણ દૂર કરવા જીએસટીની સરળ સમજૂતી માટે આજે સાંજે ચાર વાગ્યે એક સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ વેપારી એસોસિયેશનના અગ્રણીઓ, ટેક્સ નિષ્ણાતો તથા કોમર્શિયલ ટેક્સ કમિશનર આરતી કંવર હાજર રહેનાર છે.

ગુજરાત ચેમ્બરના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે આજના સેમિનારમાં વેપારી એસોસિયેશનને ટેક્સ નિષ્ણાતોની આગેવાની હેઠળ જીએસટી અંગે સરળ સમજૂતી તથા માર્ગદર્શન આપવામાં આવશે એટલું જ નહીં આગામી દિવસોમાં જે તે એસોસિયેશનના સંલગ્ન પ્રશ્નો સંબંધે હેલ્પ ડેસ્ક શરૂ થનાર છે તે અંગે પણ ચર્ચા થશે.

આજે ફ્લોર મિલ સંચાલકોનો જીએસટીની વિસંગતતા સામે વિરોધ
રાજ્યના ફ્લોર મિલ સંચાલકો પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામે જોરદાર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આજે દોઢ વાગ્યે સેન્ચુરી માર્કેટ ખાતે ફ્લોર મિલ એસોસિયેશનની એક બેઠક મળી રહી છે, જેમાં જીએસટી કાઉન્સિલે કરેલી કેટલીક જોગવાઇ સામે રણનીતિ ઘડી કાઢવાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલે જીએસટી હેઠળ બ્રાન્ડેડ લોટ પર પાંચ ટકા ટેક્સ નાખ્યો છે. પેકિંગ અને બ્રાન્ડેડની વ્યાખ્યા હેઠળ મિલર્સમાં અસમંજસતા પ્રવર્તી રહી છે, જેનો તેઓ વિરોધ કરે છે. આ અંગે પૂર્વ પ્રેસિડેન્ટ રમેશભાઇ શરાફના જણાવ્યા પ્રમાણે ફ્લોર મિલનો કારોબાર આમેય મંદ જોવા મળી રહ્યો છે. પાછલાં બે-ત્રણ વર્ષમાં ૨૦થી ૨૫ ફ્લોર મિલ રાજ્યમાં બંધ થઇ છે. આ સંજોગોમાં પાંચ ટકા જીએસટી લદાતાં આ ફ્લોર મિલર્સની હાલત કફોડી બને તેવી ભીતિ સેવાઇ રહી છે, જેના પગલે વિરોધ કરવા તથા ભાવિ રણનીતિ ઘડી કાઢવા આજે બેઠક મળી રહી છે.

આવતી કાલથી અનિશ્ચિત મુદતની હડતાળની તૈયારી
કાપડ બજારના વેપારીઓ પાછલા કેટલાય સમયથી પાંચ ટકા જીએસટી લાગ્યો તેનો વિરોધ કરી રહ્યા છે. તેઓના કહેવા પ્રમાણે કાપડ પર અગાઉ ટેક્સ ન હતો. જીએસટી નાખતા નાના વેપારીઓની મુશ્કેલીમાં મોટો વધારો થશે. ગઇ કાલે ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે કાપડના વેપારીઓ સહિત જોબ વર્કરો સંલગ્ન વેપારીઓની એક બેઠક મળી હતી જેમાં વિરોધ કરાયો હતો.

દરમિયાન આજે દિલ્હી ખાતે દેશભરના તમામ અગ્રણી શહેરોના કાપડ વેપારી એસોસિયેશનોની એક બેઠક સવારે ૧૧ કલાકે મળનાર છે. સ્થાનિક વેપારી એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના વેપારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાના મૂડમાં છે.
http://sambhaavnews.com/

You might also like