જીએસટી બિલ પસાર કરવા માટે મોદી સરકાર ઉત્સુક

નવીદિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં આ સપ્તાહમાં જ જીએસટી બિલને નિર્ણાયક વળાંક આપવા માટે મોદી સરકાર કટિબદ્ધ દેખાઈ રહી છે ત્યારે શિયાળુ સત્ર આવતીકાલથી રાજ્યસભામાં તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બંને પક્ષો ચાવીરુપ સુધારા પગલાને લઇને મક્કમ દેખાઈ રહ્યા છે. આ મુદ્દા ઉપર શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે સતત ખેંચતાણની સ્થિતિ રહી છે. વર્તમાન શિયાળુ સત્રના પ્રથમ બે દિવસ કોઇપણ ચર્ચા વગર પસાર થઇ ગયા હતા.

બંધારણ ઉપર ચર્ચા, તેના ઘડવૈયા બીઆર આંબેડકર ઉપર ચર્ચા સાથે આની શરૂઆત થઇ હતી. કેન્દ્રીય મંત્રી વીકે સિંહના વિવાદાસ્પદ નિવેદન, હરિયાણામાં બે દલિતોની હત્યાના મામલાને લઇને ભારે હોબાળો રહ્યો છે. સરકાર પાસે વધારે વિકલ્પો રહ્યા નથી. આર્થિક સુધારાને આગળ વધારવા માટે ઉત્સુક દેખાઈ રહેલી કેન્દ્ર સરકાર સોમવારથી બંને ગૃહો માટે ભારે એજન્ડા ધરાવે છે જેમાં લોકસભામાં ચાર વધુ બિલનો સમાવેશ થાય છે. બે બિલ પહેલાથી જ રહેલા છે.

જ્યારે રાજ્યસભામાં સાત બિલને પસાર કરવાની યોજના ધરાવે છે. રાજ્યસભામાં ત્રણ બિલ પહેલાથી જ લિસ્ટેડ થઇ ચુક્યા છે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી કહી ચુક્યા છે કે, જીએસટી બિલ અને રિયલ એસ્ટેટ બિલ સોમવારથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન રાજ્યસભામાં એજન્ડા યાદીમાં છે. જીએસટી બિલના સંદર્ભમાં રાજકીય રમત ચાલી રહી છે.

રાજ્યસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટિ દ્વારા જીએસટી બિલના પસાર અને ચર્ચા માટે ચાર કલાકનો સમય આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વાણિજ્યમંત્રી કમલનાથ કહી ચુક્યા છે કે, સરકાર જીએસટી પર ૧૮ ટકા મર્યાદાને સ્વીકારવાના મુદ્દે જીદ્દી વલણ અપનાવી રહ્યું છે. મુખ્ય વિરોધપક્ષ દ્વારા સુધારાને લઇને પોતાની માંગણી ઉપર મક્કમ રહેવામાં આવશે. બંધારણીય સુધારા મારફતે મર્યાદાને રજૂ કરવા માટે પોતાની તરફેણ કરતા કમલનાથે કહ્યું છે કે, સંસદમાં સાદી બહુમતિ દ્વારા કોઇ ફેરફાર ન કરાય તેની ખાતરી કરવાની જરૂર છે.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જીએસટી બિલ તેમનું પોતાનું બિલ છે અને તે આ બિલને પસાર કરવા માટે આશાવાદી છે પરંતુ તે માંગણી ઉપર કોઇ બાંધછોડ કરશે નહીં. શુક્રવારના દિવસે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના નેતૃત્વમાં પેનલે ૧૭-૧૮ ટકાના જીએસટી રેટનું સૂચન કર્યું હતું અને આંતરરાજ્ય વેચાણ ઉપર એક ટકાના વધારાના ટેક્સને પડતા મુકવાની તરફેણ કરી હતી પરંતુ બંધારણમાં જીએસટી રેટના સમાવેશને લઇને વાંધો છે.

બીજેડી, એનસીપી, જેડીયુ અને બસપ જીએસટીને લઇને તેમની તરફેણની વાત કરી ચુક્યા છે. કેટલાક અન્ય વિરોધી પક્ષો પણ કોંગ્રેસની ઝાટકણી કાઢી ચુક્યા છે. સૂચિત રાષ્ટ્રવ્યાપી યુનિફોર્મ ટેક્સેસન અથવા તો જીએસટી પેનલ દ્વારા કરવામાં આવેલા સૂચનોને અમલી કરવામાં આવશે તો ટેલિફોનિક, ડાયનિંગ આઉટ અને બેંકિંગ જેવી સેવા વધારે મોંઘી બની જશે. ટેક્સ રેટ હાલમાં ૧૪.૫ ટકાથી વધીને ૭-૧૮ ટકા સુધી થઇ જશે.

સીઈએ અરવિંદ સુબ્રમણ્યમના નેતૃત્વમાં નાણામંત્રાલયની પેનલ દ્વારા સમગ્ર દેશ માટે ગુડ્ઝ એન્ડ સર્વિસ પર ૧૭-૧૮ ટકાના સ્ટાન્ડર્ડ રેટની તરફેણ કરવામાં આવી છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, સર્વિસમાં વધારો થશે. કારણ કે ટેક્સ રેટ જ્યારે પણ જીએસટી અમલી બનશે ત્યારે ૧૪ ટકાથી વધીને ૧૭-૧૮ ટકા વધી જશે. સરકાર પહેલી એપ્રિલથી જીએસટીને અમલી બનાવવાની યોજના ધરાવે છે. બંધારણીય સુધારા બિલ હાલમાં રાજ્યસભામાં અટવાયું છે.

You might also like