જીએસટીથી FMCG સેક્ટરની કંપનીઓને સીધો ફાયદો થશે

અમદાવાદ: ભારત આઝાદ થયા બાદ ટેક્સના માળખામાં ધરમૂળથી ફેરફાર થઇ રહ્યા છે. એક્સાઇઝ, વેટ, સર્વિસ ટેક્સ સહિત અન્ય કેટલાક ટેક્સના સ્થાને જીએસટી આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે ચાર સ્લેબમાં જીએસટી લાદવાનું નક્કી કર્યું છે. આવા સંજોગોમાં જીએસટીના કારણે એફએમસીજી સેક્ટરની કંપનીઓને તેનો સીધો ફાયદો થવાનાે શેરબજારના નિષ્ણાતો દ્વારા મત વ્યક્ત કરાઇ રહ્યો છે. નોંધનીય છે કે કાઉન્સિલે પાંચ, બાર, ૧૮ અને ૨૮ ટકાના દરે જીએસટી લાવવાનું નક્કી કર્યું છે, જોકે કઇ ચીજવસ્તુ કયા ટેક્સના સ્લેબમાં આવશે તે અંગેનો નિર્ણય આગામી દિવસોમાં કરાશે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે ટૂથપેસ્ટ, ડિટર્જન્ટ, ડિશ વોશ, હેરઓઇલ, શેમ્પુ તથા સાબુ જેવી ચીજવસ્તુઓને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાનો કાઉન્સિલ દ્વારા નિર્ણય કરાયો છે. આ ચીજવસ્તુઓ ઉપર હાલ ૨૫ થી ૨૭ ટકાના દરે એક્સાઇઝ અને વેટ છે. આથી આ ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓને સીધો ફાયદો થશે. ખાસ કરીને હિંદુસ્તાન યુનિલિવર, કોલગેટ પામો‌િલવ, ડાબર કંપનીને તેનો સીધો ફાયદો થઇ શકે છે. શેરબજારના નિષ્ણાત અસીમ મહેતાના જણાવ્યા પ્રમાણે લાંબા ગાળા માટે એફએમસીજી સેક્ટરની આ કંપનીના શેરમાં રોકાણ લાભકારક પુરવાર થઇ શકે છે.

એફએમસીજીના ઓર્ગેનાઈઝ સેક્ટરની આ કંપનીઓને ફાયદો થશે
મોટે ભાગે જીવન જરૂરિયાતની આ પ્રકારની ચીજવસ્તુઓનું અસંગઠિત સેક્ટરમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ પ્રકારની કંપનીઓને એક યા બીજા કારણસર ઓછા ટેક્સના ભારણના કારણે આ કંપનીઓમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ સંગઠિત ક્ષેત્રની કંપનીઓમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુ કરતાં સસ્તી પડે છે, જેના કારણે સંગઠિત ક્ષેત્રની કંપનીઓને બિનજરૂરી હરીફાઇનો સામનો કરવો પડે છે. લાંબા ગાળા માટે એફએમસીજી સેક્ટરની કંપનીઓમાં રોકાણ ફાયદેમંદ પુરવાર થશે તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે.

You might also like