જીએસટીનો લાભ અપેક્ષા કરતાં ઓછો મળવાનો અંદાજઃ નોમુરા

મુંબઇ: આગામી ૧ જુલાઇથી જીએસટી લાગુ થવા જઇ રહ્યો છે. જીએસટી લાગુ થવાને કારણે દેશને તેનાથી મોટો ફાયદો થશે તથા આર્થિક વિકાસમાં પણ ગ્રોથ જોવાશે તેવો દાવો વિવિધ આર્થિક એજન્સી તથા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ વૈશ્વિક નાણાકીય સેવા પૂરી પાડતી અગ્રણી નોમુરા એજન્સીનું કહેવું છે કે જીએસટીનું વર્તમાન સ્વરૂપ છે તેના કારણે જે ફાયદો થવો જોઇએ તે અગાઉ કરવામાં આ‍વેલા અનુમાન કરતાં ઘણો ઓછો છે. નોંધનીય છે કે જીએસટી કાઉન્સિલે ૧૨૦૦ જેટલી ચીજ વસ્તુ અને ૫૦૦થી વધુ સેવાઓ પર ટેક્સના દરની જાહેરાત પણ કરી દીધી છે. કાઉન્સિલની આગામી બેઠક ૩ જૂને થનાર છે, જેમાં સોના સહિત કેટલીક અન્ય ચીજવસ્તુઓ ઉપર જીએસટીના દરને લઇને જાહેરાત થશે.

નોમુરાના જણાવ્યા પ્રમાણે વર્તમાન સ્વરૂપમાં જીએસટીનું જે રીતે માળખું છે તથા તેનાથી જે લાભ થનાર છે તે અગાઉ કરવામાં આવેલા અંદાજો કરતાં ઘણો ઓછો છે, કેમ કે તેનું માળખું વિભિન્ન ટેક્સના દરની સાથે સાથે ઘણું જટિલ છે. હાલ જે રીતે જાહેરાત કરવામાં આવી છે તે રીતે જોતાં મોટા ભાગની ચીજવસ્તુઓ પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં આવી જશે, જ્યારે અન્ય ચાર પ્રકારની ચીજો જેવી કે લક્ઝરી કાર, તમાકુ તથા તેની બનાવટની ચીજવસ્તુઓ ઉપર જીએસટી સહિત વધારાનો સેસ લાદવામાં આવશે. સરળ કર ઢાંચાના કારણે જે મોટા લાભ મળવાની આશા હતી. હાલના માળખાના કારણે તેમાં ઘટાડો થશે. આદર્શ જીએસટીની દિશામાં સરકાર આગળ વધશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

http://sambhaavnews.com/

You might also like