જીએસટીના અમલ માટે હજુ લાંબી મજલ કાપવાની છે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ એપ્રિલ ૨૦૧૭થી દેશમાં સાકાર બનવા જઈ રહ્યો છે. રાજ્યસભા અને લોકસભામાં જીએસટી બિલમાં કેટલાક સુધારા સાથેના બંધારણ સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર થવાની સાથે દેશમાં કરવેરાના ક્ષેત્રે એક પ્રકારની ક્રાંતિ થવા જઈ રહી છે. ભારત જેવા દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચીજવસ્તુ અને સેવાઓ પર વિવિધ સ્તરે અલગ-અલગ પ્રકારના કરવેરાની વસૂલીને કારણે વ્યાપાર અને કારોબારના વિકાસ અને વિસ્તારમાં જે મુશ્કેલી સર્જાતી હતી તેનું નિવારણ થશે. સમગ્ર દેશમાં બધાં રાજ્યોમાં એક સમાન દરે કર વસૂલાતને કારણે ગ્રાહકો અને કારોબાર કરનારા સૌને લાભ થવાનો છે.

કરવેરાની આ નવી વ્યવસ્થાને કારણે કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે તો બીજી બાજુ કૃષિ પેદાશો અને સેવાઓ મોંઘી બનશે. સેવાઓ મેળવવા માટે લોકોએ હવે વધુ આર્થિક બોજ સહન કરવાની તૈયારી રાખવી પડશે. ૨૦૦૦ની સાલમાં વાજપેયી સરકારે એ માટે કવાયત શરૂ કરી કેલકર સમિતિની રચના કરી હતી. વર્ષ ૨૦૦૪માં કેલકર સમિતિએ તેના અહેવાલમાં સમગ્ર દેશ માટે એક સમાન કરપ્રણાલી અપનાવવા જીએસટીની ભલામણ કરી હતી. તેને સાકાર થતાં તેર વર્ષ લાગ્યાં છે.

૨૦૦૬ના અંદાજપત્રમાં તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જીએસટીની જાહેરાત કરી હતી. એ અર્થમાં તેને સાકાર કરવામાં એક દાયકો પસાર થઈ ગયો. ભારતીય લોકતંત્રમાં રાષ્ટ્રહિતના એક આર્થિક સુધારાના અમલમાં કેટલો વિલંબ થઈ શકે છે તેનું આ ઉદાહરણ છે. આર્થિક બાબતોમાં પણ આપણે પક્ષીય રાજરમત છોડતા નથી, તેને કારણે આવો વિલંબ થતો હોય છે. જીએસટી કરપ્રણાલી વિશ્વના અસંખ્ય દેશોમાં વર્ષોથી અમલમાં છે. સૌ પ્રથમ ૧૯૫૪માં ફ્રાન્સે આ મોડેલ અપનાવ્યું હતું. એ પછી બ્રિટન, સ્વીડન, જર્મની, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર સહિતના અનેક દેશોમાં આ કરપ્રણાલી અમલમાં છે. ભારત આવી કરપ્રણાલી અપનાવવામાં કેટલું મોડું છે તેનો અંદાજ આ તથ્ય પરથી આવી શકે છે.

જીએસટી સ્વદેશી અને વિદેશી વેપારીઓ-તમામને માટે કરવેરાની ચુકવણીની પ્રક્રિયા એકદમ સરળ બનાવી દેશે. જીએસટીના અમલ સાથે એક નામ, એક ફોર્મ અને ચુકવણી પણ એક જ વખત થશે. તેને માટે કારોબારીઓને ઓળખ માટે જીએસ ટીન નંબર અપાશે જે પેન કાર્ડના આંકડા પર આધારિત હશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે એક જ રિટર્ન ભરવાનું રહેશે. સરકારનો ઇરાદો તો આ કરપ્રણાલીના અમલમાં કાગળનો કોઈ પ્રકારે ઉપયોગ ન કરવાનો છે. એ કેટલું શક્ય બને છે એ જોવાનું રહેશે. જીએસટીના અમલને કારણે રાજ્યોની કરવેરાની આવકમાં જે ઘટાડો થશે તેની ભરપાઈ પાંચ વર્ષ સુધી કેન્દ્ર સરકાર કરશે. માત્ર આ કરપ્રણાલીના અમલને કારણે દેશની જીડીપીમાં એકથી દોઢ ટકાનો વધારો થવાની ધારણા છે.

ભારતના બંધારણમાં કરવેરા વસૂલ કરવાની સત્તા કેન્દ્ર અને રાજ્યોમાં વહેંચવામાં આવી છે. તેની જોગવાઈ આર્ટિકલ ૨૬૫માં કરવામાં આવી છે. તેમાં સુધારો કર્યા પછી જ જીએસટીનો અમલ કરી શકાય. એ માટે બંધારણ સુધારો આવશ્યક હતો. બંધારણ સુધારા માટે શાસક પક્ષે અન્ય પક્ષોનો સહકાર મેળવવો અનિવાર્ય બને. જીએસટીને કાનૂન બનાવવામાં વિલંબ થવાનું એ એક સૌથી મોટું કારણ હતું. બે વર્ષના પ્રયાસોને અંતે વર્તમાન મોદી સરકારને તેમાં સફળતા મળી છે. ૧૨૨મુ બંધારણ સુધારા વિધેયક પસાર થઈ ગયું છે.

હવે દેશનાં રાજ્યોએ જીએસટી બિલ વિધાનસભામાં પસાર કરવું પડશે. એ પછી તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. ત્યાર બાદ તેનો અમલ શક્ય બનશે. સરકાર એપ્રિલ-૨૦૧૭થી તેના અમલ માટે તત્પર છે. એ માટે રાજ્યોનો સહયોગ જરૂરી બનશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જીએસટીના અમલ માટેનું માળખું દેશભરમાં ખડું કરવું પડશે.

એ કામ પણ ધારવામાં આવે છે તેટલું સરળ નથી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની વહેંચણીની વ્યવસ્થા ગોઠવાશે. તેને માટે જીએસટી કાઉન્સિલની રચના કરાશે. તેમાં બધાં રાજ્યોનું પ્રતિનિધિત્વ હશે. સંસદમાં જીએસટી બિલ પસાર થયા પછી પણ હજુ કેન્દ્ર સરકારે તેના અમલ માટે લાંબી મજલ કાપવાની છે.

You might also like