પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યના ઉદ્યોગોને જીએસટીમાં રાહત ચાલુ રાખવામાં આવશે

નવી દિલ્હી: પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યોના ઉદ્યોગોને જીએસટીમાં પણ મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યોના ઉદ્યોગોને આપવામાં આવેલી રાહત હવે માર્ચ ૨૦૨૭ સુધી ચાલુ રાખવામાં આવશે, જોકે ગુડ્સ એન્ડ ટેક્સની નવી વ્યવસ્થા અંતર્ગત આ રાહતો રિફંડના સ્વરૂપમાં ઉદ્યોગોને આપવામાં આવશે. આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન વિભાગ ટૂંક સમયમાં આ અંગે દિશા નિર્દેશ બહાર પાડશે. નાણાં પ્રધાને જણાવ્યું કે પૂર્વોત્તર અને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પર્વતીય રાજ્યોના ઉદ્યોગોને અગાઉની કર વ્યવસ્થા અંતર્ગત દશ વર્ષ સુધી કરમાં રાહત મળી છે. હવે આ ઉદ્યોગોને રિફંડ મળશે. જીએસટીમાં ૪,૨૮૪ ઉદ્યોગોને નવી રાહતોનો લાભ મળશે. સરકારે આ માટે રૂ. ૨૭,૪૧૩ કરોડ નાણાંની ફાળવણી કરી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યોનો આર્થિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીમાં ધીમો જોવા મળી રહ્યો છે અને તેના કારણે સરકારે આ રાજ્યોનો વિકાસ થાય તે માટે અગાઉ એક્સાઇઝ પોલિસી અંતર્ગત રાહત અપાઇ હતી.

કેટલાય સમયથી આ રાહતો ચાલુ રાખવામાં આવશે કે નહીં તે અંગે વેપાર-ઉદ્યોગના સંચાલકો દ્વિધા અનુભવી રહ્યા હતા, જોકે નાણાપ્રધાને કરેલી જાહેરાતના પગલે પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યોને આ છુટ ચાલુ રખાતા રાહત મળી છે.

You might also like