SMSથી મળેલા GST ઈ-વે બિલ પણ ગણાશે માન્ય

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ-સીબીઆઇસીએ ઈ-વે બિલ માટે નિયમો સુધારી નવા નિયમ જાહેર કર્યા છે. ઈ-વે બિલના ચેકિંગ અધિકારીઓ માટે બિલની તપાસ કેવી કરવી પડશે તથા જો બિલ ના હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરાશે તેવા નિર્દેશો બહાર પાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઇ-વે બિલના અમલને બે સપ્તાહ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. મોબાઇલ ચેકપોસ્ટ દ્વારા ઇ-વે બિલનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ ગેરરીતિ આચરાઇ હોવાની વિગતો બહાર આવી છે અને તેને કારણે સીબીઆઇસીએ બિલ માગવા સંબંધે અધિકારીઓની સત્તા અંગે સ્પષ્ટતા કરી છે.

નિર્દેશો અનુસાર કમિશનર પોતાની ટેરેટરીમાં બિલ અને માલનું ચેકિંગ કરી શકશે. કમિશનર તે માટે એક અધિકારીની નિયુક્તિ કરશે.  ટ્રક રોકી અધિકારી જરૂરી દસ્તાવેજો છે કે નહીં તેની પૂછપરછ કરી શકશે. જો અપૂરતા ડોક્યુમેન્ટ્સ હશે તો ટ્રકમાં સવાર શખ્સનું નિવેદન લેવામાં આવશે.

પ્રિન્ટ તથા એસએમએસ દ્વારા મેળવેલ ઇ-વે બિલને માન્ય રખાશે.  અધિકારી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. સામાન્ય તપાસ માટે ત્રણ દિવસની મુદત આપવામાં આવશે. તપાસ બાદ સામાન્ય માલિકને રિપોર્ટ સોંપાશે. ટેક્સ અને પેનલ્ટી ભર્યા બાદ જ સામાન છોડવામાં આવશે. પેનલ્ટી, બોન્ડ અથવા બેન્ક ગેરંટી દ્વારા પણ ભરી શકાશે.

માર્ચ સુધીમાં ૧૭,૬૦૦ કરોડના GST રિફંડ ચૂકવાયાં
જીએસટી પોર્ટલ પર ટેકનિક્લ ખામીઓનાં કારણે કરદાતાને મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લેતી. જીએસટી નેટવર્ક દ્વારા સૂચનાઓ ન મળી શકવાનાં કારણે નિકાસકારને તેઓનું બાકી આઇજીએસટી સમયસર મળી શકતું નથી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્સ એન્ડ કસ્ટમસીબીઆઇસીના અધ્યક્ષના જણાવ્યા અનુસાર જીએસટી નેટવર્ક દ્વારા ડેટા કે સૂચના સમયસર નહીં મળી શકવાને કારણે કરોડો રૂપિયાનાં બાકી રિફંડ પેન્ડિંગ પડી રહ્યાં છે. નિકાસકારની ફરિયાદોને પગલે સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અટવાયેલી રિફંડ પ્રોસિજર ઝડપભેર હાથ ધરાય તે માટે માર્ચ મહિનામાં સ્પેશિયલ સેસ શરૂ કરવામાં આવ્યો હતો.

સીબીઆઇસીના જણાવ્યા અનુસાર સરકાર નાણાકીય વર્ષ ર૦૧૮-ર૦૧૯માં પ્રથમ મહિનામાં અત્યાર સુધીમાં રૂ.૬પ૦ કરોડમાં આઇજીએસટી રિફંડ મંજૂર કરવામાં આવેલ છે. જો કે, બિલમાં ક્રોસ મેચિંગના અભાવ વચ્ચે અત્યાર સુધી આઇજીએસટીનાં કરોડો રૂપિયાનાં રિફંડ કસ્ટમની પાસે બાકી પડ્યાં છે. નિકાસકારોનાં વિલંબમાં પડેલ રિફંડ ઓડર ઝલદીથી ઇશ્યુ થાય તેવા પ્રયાસ ચીફ કમિશનર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, સરકારે પાછલા મહિને એક પખવાડિયાનું વિશેષ અભિયાન ચલાવીને નિકાસકારોમાં રૂ.૧૭,૬૧૬ કરોડના રિફંડ ઓર્ડરને મંજૂર કરવામાં આવ્યાં છે. સરકાર દાવો કરી રહી છે કે આઇજીએસટી અંતર્ગત ૯૦ ટકા રિફંડ દાવાઓની પતાવટ કરવામાં આવી છે.

You might also like