જીએસટી સાથે ડીટીસીનો પણ તત્કાળ અમલ કરવા માગણી

નવી દિલ્હી: સ્વતંત્રતા બાદ અત્યાર સુધીના સૌથી મોટા કર સુધારા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હવે જ્યારે અમલ થવાની તૈયારીમાં છે ત્યારે કેન્દ્ર સરકાર સમક્ષ એવી પણ માગણી કરવામાં આવી છે કે ડાયરેકટ ટેક્સિસ એટલે કે પ્રત્યક્ષ કરવેરા ક્ષેત્રમાં પણ સુધારા કરવાની જરૂર છે. નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ ડાયરેકટ ટેકસ કોડ (પ્રત્યક્ષ કર સંહિતા) એટલે કે ડીટીસીનો પણ જીએસટી સાથે અમલ કરવા ભલામણ કરી છે. ડીટીસી તાત્કાલિક ધોરણે જીએસટી સાથે જ અમલી બનાવવામાં આવેે એવી ભલામણ કરતાં સંસદીય સ્થાયી સમિતિએ જણાવ્યું હતું કે જો ડીટીસીનો અમલ નહીં કરવામાં આવે તો જીએસટીના અમલના પગલે થનારા લાભો સંપૂર્ણપણે ફળીભૂત નહીં થાય.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ વીરપ્પા મોઇલીના વડપણ હેઠળની સમિતિનો આ રિપોર્ટ તાજેતરમાં જ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. સમિતિનું કહેવું છે કે ડીટીસી અને કરવેરા સુધારા પંચના અહેવાલમાં આપવામાં આવેલા સુધારા પર વિચારણા કરીને તેનો અમલ કરવામાં નહીં આવે તો જીએસટીસીથી થનારા લાભો બિનઅસરકારક પુરવાર થશે. ડીટીસીની સમીક્ષા પણ થઇ ચૂકી છે અને એટલા માટે સરકાર તેનો તત્કાલ અમલ કરી શકે છે. સરકાર જો આ રીતે વારંવાર ઇન્કમટેકસ કાયદામાં સુધારા કરતી રહેશે તો ટેકસ સુધારાનો હેતુ અધૂરો રહી જશે. ડાયરેકટ ટેકસ કોડ એટલે કે ડીટીસીનો વિચાર યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન વહેતો થયો હતો, પરંતુ એનડીએ સરકાર સત્તા પર આવ્યા બાદ આ પ્રસ્તાવ કોલ્ડ સ્ટોરેજમાં મુકાઇ ગયો હતો.

You might also like