જીએસટી કાઉન્ટડાઉન શરૂ, મઘરાતે સંસદ સેન્ટ્રલ હોલમાં ભવ્ય સમારોહ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હી : જીએસટીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે રાત્રે 12 કલાક બાદ જીએસટી દેશભરમાં અમલ થઇ જશે. જેના કારણે દેશને વિવિધ ટેક્સોથી આઝાદી મળી જશે. સંસદભવનમા જીએસટી કાર્યક્રમને લઇને જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. સંસદને એક વાર ફરી દુલ્હનની જેમ સજાવામાં આવી રહી છે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે આજે રાતે ઠીક એવો જ કાર્યક્રમ યોજાશે જેવો 15 ઓગસ્ટ 1947ની રાત્રે યોજવામાં આવ્યો હતો.

સંસદના સેન્ટ્રલ હોલમાં રાત્રે 11 વાગે દેશમાં એક ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરવા માટેનો કાર્યક્રમ શરૂ થશે. આ કાર્યક્રમને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. ત્યાર બાદ રાત્રિના 12 કલાકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઘંટ વગાડીને દેશભરમાં જીએસટી લાગુ થવાની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 1947ના જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પણ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આ પ્રકારના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા લોન્ચ કાર્યક્રમમાં અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જેમા પૂર્વપ્રધાનમંત્રીઓ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન ઉપસ્થિત રહેશે. આરબીઆઇ ગર્વનર ઉર્જિત પટેલ, બિમલ જાલાન પણ હાજર રહેશે. નીતિ આયોગના અરવિંદ પનગઢિયા, મેટ્રોમેન ઇ.શ્રીધરન ઉપસ્થિત રહેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા પણ ઉપસ્થિત રહેશે.
http://sambhaavnews.com/

You might also like