જીએસટી કાઉન્સિલની પ્રથમ બેઠક ૨૨-૨૩ સપ્ટેમ્બરે

નવી દિલ્હી: સરકારે આગામી ૧ એપ્રિલ, ૨૦૧૭થી જીએસટી લાગુ કરવા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેબિનેટે જીએસટી કાઉન્સિલની રચના કરવાને મંજૂરી પણ આપી દીધી છે ત્યારે આગામી ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની પ્રથમ બેઠક થશે, જેમાં જીએસટીના દર તથા કઇ ચીજવસ્તુઓ અને સેવાઓમાં રાહત અપાશે તે નક્કી થશે.

રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાના જણાવ્યા પ્રમાણે સરકાર ૧ એપ્રિલથી જીએસટી લાગુ કરવાની તૈયારીમાં છે. આ માટે આઇટી સિસ્ટમ ઊભી કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન જીએસટી કાઉન્સિલમાં દેશના તમામ નાણાં પ્રધાન રહેશે તથા કેન્દ્રના નાણાં પ્રધાન કાઉન્સિલના અધ્યક્ષ બનશે. જીએસટી કાઉન્સિલનું વડું મથક નવી દિલ્હીમાં રહેશે.

નોંધનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે જીએસટી બિલને મંજૂરી આપ્યા બાદ દેશનાં ૨૦ રાજ્યની વિધાનસભાએ જીએસટી બિલને મંજૂરી આપી દીધી છે.

You might also like