આજે જીએસટીમાં નાના વેપારીઓ અને નિકાસકારોને રાહત મળશે

નવી દિલ્હી: જીએસટીના અમલના પગલે ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકાર આજે નાના વેપારીઓને દિવાળીની ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર પણ વિચારણા થઈ શકે છે. રાજ્યના નાણાપ્રધાનો સાથે આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિકાસકારોને રાહત આપવા ઉપરાંત વર્ચ્યુઅલ કરન્સી દ્વારા ટેક્સના ઈલેક્ટ્રોનિક પેમેન્ટની જાહેરાત થઈ શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બુધવારે સરકારના આર્થિક નિર્ણયોના બચાવ અને ગુરુવારે નાણાપ્રધાન અરુણ જેટલી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત બાદ જીએસટીને લઈ કેટલાય મોટા નિર્ણય થવાની આશા છે. મોદી સરકાર દ્વારા સીમાંત અને લઘુ ઉદ્યોગોને પણ મોટી રાહત આપવામાં આવી શકે છે. રૂ. ૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ક્વાર્ટલી રિટર્ન ભરવા માટે મંજૂરી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત કમ્પોઝિશન સ્કીમ માટે પણ રૂ. ૭૫ લાખની મર્યાદા વધારીને રૂ. ૧ કરોડ થઈ શકે છે. નાના વેપારીઓને તેનાથી મદદ મળશે અને તેઓ ત્રિસ્તરીય ફાઈલિંગ પ્રોસેસ વગર રિટર્ન ભરી શકશે.

આજની બેઠકમાં આ મોટા નિર્ણય લેવાવાની શક્યતા
– રૂ. દોઢ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને દર મહિનાના બદલે ત્રણ મહિને રિટર્ન ભરવાની મંજૂરી અપાશે.
– વસ્ત્ર ઉદ્યોગ માટે જીએસટીના દરમાં ઘટાડો થશે.
– નાના વેપારીઓ માટે સરળ દર નક્કી કરવામાં આવશે.
– નિકાસકારોને રાહત મળશે.
– કેટલીક ચીજવસ્તુઓની ટેક્સ કેટેગરીમાં ફેરફાર થઈ શકે છે.
– નાના વેપારીઓ માટે ૭૫,૦૦૦નો સ્લેબ વધારીને દોઢ કરોડ થઈ શકે છે.
– પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર વિચારણા થઈ શકે છે.
જીએસટીથી ઈન્ડિયન ઈકોનોમીના ‘અચ્છે દિન’ આવશેઃ વર્લ્ડ બેન્ક
આર્થિક મોરચે મોદી સરકાર જ્યારે ચોમેરથી આલોચનાનો સામનો કરી રહી છે ત્યારે વર્લ્ડ બેન્ક તરફથી મોટી રાહત મળી છે. વર્લ્ડ બેન્કે સરકારના દાવાને સમર્થ આપતાં જણાવ્યું છે કે ભારતના આર્થિક વિકાસમાં હાલ જે ઘટાડો નોંધાયો છે તે અસ્થાયી છે. વિશ્વ બેન્કનું કહેવું છે કે જીએસટીના કારણે ભારતીય અર્થતંત્રમાં જલદી ‘અચ્છે દિન’ આવશે.

You might also like