આજે GST કાઉન્સિલની બેઠકઃ બે બિલ મંજૂર થશે

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા આજે જીએસટી કાઉન્સિલની બેઠક યોજવામાં આવી છે. સરકાર પોતાના મહત્ત્વાકાંક્ષી પરોક્ષ કરસુધારાને  ૧ જુલાઇથી લાગુ પાડવાની દિશામાં બે મહત્ત્વનાં વિધેયક પર મંજૂરીની મહોર મારી શકે છે.

સરકાર જીએસટીના અમલ માટે કાઉન્સિલ સ્ટેટ જીએસટી (એસજીએસટી) અને યુનિયન ટેરીટરી જીએસટી (યુટીજીએસટી) વિધેયકને મંજૂરી આપી શકે છે. સરકાર ત્યારબાદ આ વિધેયકો પર કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મેળવશે, જેને જીએસટી કાઉન્સિલે પહેલાંથી જ પાસ કરી દીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાના આરંભે જ જીએસટી કાઉન્સિલે સેન્ટ્રલ જીએસટી અને ઇન્ટિગ્રેટ જીએસટીને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે તાજેતરમાં આવેલાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં શ્રેષ્ઠ દેખાવના પગલે જીએસટીને લઇને સરકારની સ્થિતિ વધુ મજબૂત થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વર્તમાન સંસદસત્રમાં વિધેયકોને મંજૂરી અપાવવા માટે એક યોજના તૈયાર કરી રહી છે. સાથે-સાથે રાજ્ય વિધાનગૃહોમાં પણ એસજીએસટી વિધેયકને મંજૂરી મળવી આવશ્યક છે. આમ, હવે ૧ જુલાઇથી જીએસટીનો અમલ થવાની શક્યતા વધુ મજબૂત થઇ ગઇ છે.

કાઉન્સિલે ગયા મહિને એક મુસદ્દા કાયદાને લીલી ઝંડી આપી દીધી હતી, જેના હેઠળ ટેક્સ સુધારાની સ્થિતિમાં જો રાજ્યને મહેસૂલ ખોટ જશે તો તે કેન્દ્ર સરકારે ભરપાઇ કરવી પડશે.
http://sambhaavnews.com/

You might also like