તમાકુ પ્રોડક્ટ પર ૨૯૦ ટકા અને પાન-મસાલા પર ૧૩૫ ટકા સેસ

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલે ૧ જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ કરવાની દિશામાં મહત્ત્વની પહેલ કરી છે. જીએસટી કાઉન્સિલે પોતાની બેઠકમાં એસજીએસટી (રાજ્ય જીએસટી) અને યુટીજીએસટી (કેન્દ્રશાસિત પ્રદેશ જીએસટી) વિધેયકોના મુદ્દા પર મંજૂરીની મહોર મારી દીધી છે. જીએસટીનાે અમલ થવાથી તમાકુ પ્રોડક્ટ પર સેસનો મહત્તમ દર ૨૯૦ ટકા અને પાન-મસાલા પર મહત્તમ દર ૧૩૫ ટકા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ વાત એ પણ છે કે બીડી અને ચાવીને ખાવાની તમાકુ પર પણ સેસ લગાવવામાં આવશે, જેનો દર હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી.

તમાકુ પ્રોડક્ટ પર જેટલો ટેક્સ હાલ અમલમાં છે એટલો જ જીએસટી લાગુ થયા બાદ પણ યથાવત્ રાખવામાં આવશે એટલું જ નહીં, લક્ઝરી ગુડ્સ પર સેસની મહત્તમ મર્યાદા ૧૫ ટકા નિર્ધારિત કરવા સંબંધિત પ્રસ્તાવને પણ કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે.  પર્યાવરણને નુકસાન કરતી પ્રોડક્ટ પર પણ ભારે ટેક્સ લાદવામાં આવશે. ક્લીન એનર્જી સેસના સ્થાને કોલસા અને લિગ્નાઇટ પર પ્રતિટન રૂ. ૪૦૦ના દરે સેસ લાદવામાં આવશે. વિધેયકના મુસદ્દામાં અેવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે શુગર કે ફ્લેવરિંગ ધરાવતા એરેટેડ વોટર અને મિનરલ વોટર પર પણ સેસ લાદવામાં આવશે.

નાણાપ્રધાન જેટલીએ જણાવ્યું હતું કે જીએસટી રજિસ્ટ્રેશન, પેમેન્ટ, રિફંડ, ઇન્વોઇસ અને રિટર્ન સંબંધિત પાંચ નિયમોને પણ જીએસટી કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે. બાકીના ચાર નિયમોને આગામી સપ્તાહ સુધીમાં આખરી આેપ આપવામાં આવશે. જીએસટી કાઉન્સિલની ૧૩મી બેઠક હવે ૩૧ માર્ચે દિલ્હીમાં મળશે. જીએસટી બિલ અલગ અલગ રાજ્યની કેબિનેટની મંજૂરી બાદ વિધાનસભામાં પણ પસાર કરાશે.
http://sambhaavnews.com/

You might also like