જીએસટી કાઉન્સિલે કેગને વિશેષ અધિકાર ના આપ્યો

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-કેગને જીએસટી કાયદા અંતર્ગત આવકની સૂચનાઓ મેળવવા માટે અલગથી વિશેષ અધિકાર પ્રાપ્ત થશે નહીં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે કેગની આ માગને ફગાવી દીધી છે. કાઉન્સિલનું કહેવું છે કે આવક પ્રાપ્ત કરવા સંબંધમાં સૂચનાઓ મેળવવા માટે કેગના કાયદામાં અગાઉથી જ કેટલીક જોગવાઇ છે, જેના કારણે જીએસટી કાયદામાં અલગથી કોઇ જોગવાઇ કરવામાં આ‍વી નથી.

કાઉન્સિલે છઠ્ઠી બેઠકમાં મોડલ જીએસટી કાયદાની કલમ-૬૫ને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં કેગને જીએસટી થકી આવકપ્રાપ્તિના સંબંધમાં કોઇ પણ સૂચનાઓ માગવાના પાવર આપવામાં આવ્યા હતા. કાઉન્સિલ દ્વારા આ અંગેની જાણકારી કેગને આપવામાં આવી હતી, જેને લઇને સરકારે પાછલા સપ્તાહે શનિવારે મળેલી બેઠકમાં વધુ એક વાર કલમ-૬૫ને મૂકી હતી, પરંતુ જીએસટી કાઉન્સિલ આ કલમ લાગુ કરવા અંગે સહમત થઇ ન હતી.
નોંધનીય છે કે સરકાર આગામી ૧ જુલાઇથી જીએસટી લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like