જીએસટી ભરવામાંથી બચી રહેલી કંપનીઓ સામે ગાળિયો કસાશે

નવી દિલ્હી: જીએસટી નહીં ભરનાર કંપનીઓ અને વેપારીઓ સામે સરકારે હવે લાલ આંખ કરી આવા યુનિટો સામે પગલાં ભરવાની કવાયત હાથ ધરી છે. દેશવ્યાપી અભિયાન ચલાવવાની સરકારે તૈયારી હાથ ધરી છે.  જીએસટીના ટોચનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિપાર્ટમેન્ટ આ અંગે સમગ્ર દેશમાં તલાશીનું સર્વે અભિયાન ચલાવી શરૂ કરી શકે છે, જેમાં ખાસ કરીને એવા યુનિટ્સ સામે સરકાર એક્શન લઇ શકે છે કે જેઓ જાણી જોઇને ટેક્સ બચાવી રહ્યા હોય. પ્રાપ્ત થતી માહિતી મુજબ જીએસટીના ટોચના અધિકારીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણાપ્રધાન અરુણ જેટલીને મળ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારના પ્રેશર બાદ જીએસટી ડિપાર્ટમેન્ટે અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કેટલીક કંપનીઓ અને બિઝનેસ યુનિટ્સ જાણી જોઇને જીએસટી ચૂકવવામાંથી બચી રહ્યાં છે, કેમ કે તેઓને ડર છે કે ટેક્સના ચુકવણાના કારણે જૂના હિસાબો પણ હાથ લાગી શકે છે.

આજે જીએસટી પોર્ટલની ખામી દૂર કરવા ગ્રૂપ ઓફ મિનિસ્ટરની બેઠક 
જીએસટી અમલને અઢી મહિના કરતા વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ પોર્ટલ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશનથી લઇને રિટર્ન ભરવા સુધીની મુશ્કેલીઓ હજુ પણ વેપારીઓ અને કંપનીઓને સતાવી રહી છે. પારાવાર પડતી હાલાકીના કારણે સરકારે રિટર્ન ભરવાની મુદત ત્રણ ત્રણ વાર વધારી છે તેમ છતાં ધીમા સર્વરના કારણે રિટર્ન ભરવામાં મુશ્કેલીઓ ચાલુ છે. સરકારે પોર્ટલ સંબંધી ખામી દૂર કરવા બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીની અધ્યક્ષતામાં એક કમિટી રચી છે. આ કમિટી ઇન્ફોસિસ કે જેણે જીએસટીનું પોર્ટલ બનાવ્યું છે તેની સાથે બેઠક કરશે, જેમાં સામાન્ય  વેપારી સરળતાથી રિટર્ન ભરી શકે તે માટે ફોકસ કરાશે.

You might also like