જીએસટી સામે જંગઃ કાપડ બજારો સજ્જડ બંધ

અમદાવાદ: કાપડ પર નાખેલા પાંચ ટકા જીએસટી તથા સરકારની જીએસટીની નીતિ સામે આજે શહેર સહિત દેશભરમાં તમામ કાપડ બજાર તથા તેની સાથે જોડાયેલાં બજારો એક દિવસની પ્રતીક હડતાળ પર છે. શહેરના ન્યૂ ક્લોથ માર્કેટ, મસ્કતી કાપડ માર્કેટ સહિત તમામ અગ્રણી કાપડ બજારો સજ્જડ બંધનાં એલાનમાં જોડાયાં છે. આજે સવારથી ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે વેપારીઓએ બંધ રાખી સરકારની જીએસટી વિરોધી નીતિ સામે ધરણાં અને સૂત્રોચ્ચારો કરી કાપડ ઉપર જીએસટી જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો હતો.

અગાઉ કાપડ ઉપર ટેક્સ ન હતો, પરંતુ જીએસટી અંતર્ગત સરકારે કાપડ ઉપર પાંચ ટકા જીએસટી નાખ્યો છે. શહેરના કાપડ બજારના વેપારીઓ તેનો સખત વિરોધ કરી રહ્યા છે. કાપડ ઉપર જીએસટી ન જોઇએ તેવી માગ કરી રહ્યા છે. કાપડ બજારના અગ્રણી વેપારીઓના જણાવ્યા પ્રમાણે સરકારની નીતિ સામે નાના વેપારીઓનો ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ૧ જુલાઇથી જીએસટી આવી રહ્યો છે તેમ છતાં હજુ પણ કેટલાક નિયમ છે કે જે અંગે કોઇ સ્પષ્ટતા નથી. નિષ્ણાતો પણ આ અંગે ઉલ્લેખ કરી શકતા નથી, જેને પગલે વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ જઇ રહ્યા છે અને રોષ વધતો જાય છે.

આજે એક દિવસની હડતાળના એલાન બાદ જો કાપડ બજારમાં સરકાર દ્વારા જીએસટી સંબંધે કરેલી માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આગામી ૧ જુલાઇથી અચોક્કસ મુદતની હડતાળના એલાનની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ કમિટી બનાવવાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તથા આ કમિટી સરકાર સાથે વાટોઘાટો કરશે.

આ અંગે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે સરકારે પાંચ ટકા જીએસટી લાદયો છે તેનો કાપડ બજાર સખત વિરોધ કરી રહ્યું છે અને જીએસટી કાપડ પર ના જોઇએ તેવી માગ કરી રહ્યું છે.

કાપડ બજારની મુખ્ય માગણીઓ
• કાપડ પર કોઇ ટેક્સ ન હતો. સરકારે પ્રથમ વાર પાંચ ટકા જીએસટી નાખ્યો છે. કાપડના વેપારીઓ જીએસટી ન જોઇએ તેવી માગ કરી રહ્યા છે.
• કોમ્પોઝિટ યુનિટ્સને ફાયદો થાય તેવી રાહત આપી છે. તેનાથી તંદુરસ્ત હરીફાઇ નહીં થઇ શકે.
• ટ્રાન્સપોર્ટર્સને ત્યાં બે-બે પાંચ-પાંચ વર્ષ જૂના સ્ટોક પડ્યા છે. તે સ્ટોકનો કેવો અને કેવી રીતે નિકાલ કરવો તે મુખ્ય મુદ્દો છે.
• કાપડ બજારમાં મોટા ભાગે ઓછું ભણેલા લોકો કામકાજ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કારોબાર છે. આવા સંજોગોમાં સરકાર તરફથી કોઇ એજ્યુકેશન તથા જાગૃતિનો પ્રોગ્રામ હાથ ધરાયો નથી.
• વેબસાઈટ પર માત્ર અંગ્રેજીમાં જ માહિતી છે. તે પ્રાદેશિક ભાષામાં પણ હોવી જોઇએ.
• રો મટીરિયલ્સ ઉપર ટેક્સ નાખવાની વેપારીઓ માગ કરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like