કાપડ બજારમાં GSTના રેટ સામે આક્રોશ

અમદાવાદ: ગઇ કાલે મસ્કતી મહાજન હોલમાં બપોરે જીએસટીના રેટ સંબંધે સમીક્ષા કરવા તથા અમલી બન્યા બાદ કઇ પરિસ્થિતિ ઊભી થશે તેની ચર્ચા કરવા નિષ્ણાતોની હાજરીમાં વિવિધ વેપારી એસોસિયેશનો સહિત કાપડના વેપારીઓ ભેગા થયા હતા. ખાસ કરીને નાના વેપારીઓનો આ બેઠકમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે સરકારની હાલની રેટની નીતિ તથા રિટર્ન ભરવાની સિસ્ટમ સંબંધે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને જે વેપારીઓ રજિસ્ટર્ડ નથી તેઓને માલ વેચ્યા બાદ ઊભી થનારી પરિસ્થિતિ અંગે બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

એટલું જ નહીં જૂનાે સ્ટોક જ્યારે જુલાઇમાં વેચાય ત્યારે ટેક્સની ક્રેડિટ લેવા સંબંધે ઊભી થનાર ગૂંચ અંગે પણ ચર્ચા છેડાઇ હતી. સૌથી મોટો પ્રશ્ન દેશાવરોમાં માલ વેચાયેલો હોય તે પ્રદેશોમાં કોઇ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો તેની ટેક્સ ક્રેડિટ લેવાની સીધી અસર સ્થાનિક વેપારમાં જોવા મળશે તેની પણ ચિંતા વ્યક્ત કરાઇ હતી.

દરમિયાન કાપડ બજારના અગ્રણીઓ આ તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરી ઊભી થનારી પરિસ્થિતિ સંબંધે જીએસટી કાઉન્સિલમાં રજૂઆત કરશે તથા ત્યાર બાદ ભાવિ રણનીતિ કેવી ઘડી કાઢવી તે અંગે ચર્ચા કરવામાં આવશે, જોકે નાનાવેપારીઓ સરકારની નીતિ સામે લડી લેવાના મૂડમાં છે. ભારોભાર આક્રોશ પણ છે. આવતી કાલની કાઉન્સિલની બેઠક બાદ આગામી સપ્તાહે ફરી એક વખત સ્થાનિક કાપડના વેપારીઓ મળશે તથા ચર્ચા કરાશે.

GST લાગુ થવાની તડામાર તૈયારીઓ
જીએસટી લાગુ થવાને હવે માત્ર ૨૦ દિવસ કરતાં પણ ઓછો સમય છે ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર સહિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કના મુખ્ય કાર્યાલયમાં દિવસ-રાત તૈયારી ચાલી રહી છે. ખાસ કરીને વેપારીઓને આઈટી નેટવર્ક સંબંધે કોઇ ખાસ મોટી તકલીફ ના પડે તે માટે તથા સુચારુ રૂપથી વિગતો સહિત રિટર્ન ફાઇલ કરી શકે તે માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જીએસટીનું પ્રથમ રિટર્ન ઓગસ્ટ મહિનામાં ભરવાનું થશે. જીએસટીએનના સીઇઓ પ્રકાશ કુમારે જણાવ્યું કે જીએસટીની નવી કર વ્યવસ્થા માટે ૨૦ નહીં, પરંતુ ૫૦ દિવસનો સમય છે. તેમણે સપ્ટેમ્બરમાં જીએસટી લાગુ કરવા સંબંધેના વિચારને સંપૂર્ણ રીતે ફગાવી દીધો હતો.

કાપડ બજારના નાનાં એકમો બંધ થતાં વેપારીઓને તકલીફ
કાપડ બજારના નાના અને મધ્યમ કદનાં એકમોને બંધ થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. મેન મેઇડ ફાઈબર અને યાર્ન પર ૧૮ ટકા દરે ટેક્સ લાદવામાં આવતા નાનાં અને મધ્યમ કદનાં એકમો ટેક્સ ક્રેડિટ લેવામાં મુશ્કેલી પડી શકે છે તથા વર્કિંગ કેપિટલ પર પણ પ્રેશર જોવાઇ શકે તેવો મત કાપડ બજારના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે. દક્ષિણ ભારતના તામિલનાડુ સ્થિત મોટા પાયા પર ટેક્સટાઇલના મોટા અને નાનાં મધ્યમ કદનાં એકમો છે. ભિવંડી ખાતે પણ મોટા પ્રમાણમાં આવા એકમો જોવા મળે છે. આ એકમોનાં શટર પડવાની ભીતિ સેવાઇ રહી છે.

આવતી કાલે GST કાઉન્સિલની બેઠકઃ વિવિધ દર અંગે સમીક્ષા
આવતી કાલે જીએસટી કાઉન્સિલની બેઠક મળનાર છે જેમાં પાછલા દિવસોમાં જીએસટી કાઉન્સિલે નક્કી કરેલા વિવિધ દર સંબંધે સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલે રેટની જાહેરાત કર્યા બાદ વિવિધ સેક્ટરનાં એસોસિયેશન દ્વારા તેનો વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને કાપડ બજાર, હોટલ-રેસ્ટોરાં સેક્ટરમાં વિરોધ વધુ જોવા મળ્યો છે. આ એસોસિયેશનો દ્વારા પ્રસ્તાવ સંબંધે આવતી કાલે મળનારી બેઠકમાં ચર્ચા થશે તથા તે અંગે યોગ્ય ઉકેલ લાવવા તૈયારીઓ હાથ ધરાશે.

http://sambhaavnews.com/

You might also like