જીએસટી બાદ કાપડ બજારમાં બે નંબરી ધંધા પર અંકુશ આવશે

અમદાવાદ: દેશના કાપડ બજારના કુલ કારોબારમાં ૪૦ ટકાથી વધુ કારોબાર શહેર સહિત રાજ્યમાં જોવા મળી રહ્યો છે. હાલ કુલ કારોબારમાં ૪૦થી ૫૦ ટકા જેટલો કારોબાર બે નંબરી અને બિલ વગરનો હોય છે. જીએસટી આવ્યા બાદ કાપડ બજારનો મોટા ભાગનો બે નંબરી કારોબાર બંધ થઇ જવાની શક્યતા કાપડ બજારના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.

તેઓએ જણાવ્યું કે આગામી ૩ જૂને મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ ઉપર પાંચ ટકા જીએસટી આવે તેવી શક્યતા છે. જીએસટી અમલી બન્યા બાદ દરેક વેપારીએ પોતાના એકાઉન્ટ્સ ડે ટુ ડે મેન્ટેઇન કરવા પડશે તથા તેના કારણે પારદર્શિતા વધશે. એટલું જ નહીં વેપારીઓએ પૂરેપૂરી સાચી અને સમયસર વિગતો સરકારને નક્કી કરેલી તારીખ મુજબ અને ફોર્મેટમાં પૂરી પાડવી પડશે અને જો તેમાં ક્ષતિ હશે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં.

જોકે જીએસટી આવે તે પૂર્વે કાપડ બજારમાં નાણાભીડ જોવા મળી રહી છે તથા વેપારીઓ નવા કાપડનો ઉપાડ અટકાવી દીધો છે. રેડીમેડ ગાર્મેન્ટના વેપારીઓએ પણ નવી ખરીદી તદ્દન અટકાવી દીધી છે. કાપડ બજારના અગ્રણીના જણાવ્યા પ્રમાણે જીએસટી આવ્યા બાદ ટૂંકા ગાળા માટે પ્રશ્નો ઊભા થઇ શકે છે, પરંતુ લાંબા ગાળે ફાયદેમંદ પુરવાર થશે.
http://sambhaavnews.com/

You might also like