શહેરના વેપારી મહાજન દ્વારા GST અંગે સેમિનારનું આયોજન

અમદાવાદ: આવતી કાલથી બે દિવસ જીએસટી કાઉન્સિલની ચીજવસ્તુઓ પરના રેટ સંબંધી બેઠક મળી રહી છે. તે પૂર્વે શહેરના વેપારીઓને જીએસટીમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ વેપારી મહાજન દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટેક્સ નિષ્ણાતો સહિત ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશનના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલ વેપારીઓને જીએસટી સંબંધી માર્ગદર્શન આપશે તથા જીએસટીના બિલમાં જે કંઇ પણ ત્રૂટિઓ અને ખામી છે તે સંબંધે વેપારીઓને ઉજાગર કરશે.

આ અંગે ટ્રેડર્સ એસોસિયેશનના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગતે જણાવ્યું કે વેપારીઓમાં હજુ પણ અસમંસજસની સ્થિતિ પ્રવર્તે છે તથા જીએસટી બિલ અંગે મોટા ભાગના નાના વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે આ અંગે જાગૃતિ આવે તથા કાયદા અંગે વધુ સ્પષ્ટતા ઊભી થાય તે માટે સેમિનારનું આયોજન કરાયું છે.
આજે સાંજે સાડા છ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય સ્મારક ભવન ખાતે આ સેમિનાર ગોઠવવામાં આવ્યો છે, જેમાં ટેક્સ એક્સપર્ટ પ્રદીપ જૈન પણ જીએસટી અંગે માહિતી અને જાણકારી આપશે.
http://sambhaavnews.com/

You might also like