જીએસટી લાગુ થતાં વિવિધ સેસ લેવાનું બંધ થશે

નવી દિલ્હી: જીએસટી લાગુ થયા બાદ સ્વચ્છ ભારત સેસ અને કૃષિ કલ્યાણ સેસ લેવાનું બંધ થશે. હાલ આ બંને સેસ સર્વિસટેક્સ ઉપર લેવામાં આવે છે. ૧ એપ્રિલ, ૨૦૧૭થી જીએસટી લાગુ થવાના કારણે સરકાર આ સેસ લેવાનું બંધ કરી શકે છે. જીએસટીના અમલ બાદ સેસ લેવાનું ચાલુ રાખવામાં આવશે કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકાર નહીં પણ જીએસટી કાઉન્સિલ લેશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્યમાં અન્ય પરોક્ષ ટેક્સની જેમ સેસ પણ લેવાનું બંધ કરવામાં આવશે. તેના કારણે ટેક્સના નિયમોનું પાલન કરવામાં કારોબારીઓને સરળતા રહેશે. સરકારે હાલ કેટલાક પ્રકારના સેસ લાદયા છે. સર્વિસટેક્સ ઉપર કૃષિ કલ્યાણ સેસ અને સ્વચ્છ ભારત સેસ લગાવવાના કારણે કેન્દ્ર સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૧૫ હજાર કરોડ રૂપિયાની આવક થવાનો લક્ષ્યાંક છે. એ જ પ્રમાણે કોલસાના ઉત્પાદન પર સ્વચ્છ પર્યાવરણ સેસ લગાવવામાં આવે છે. સરકારને રૂ. ૨૬,૧૪૮ કરોડની આવક થવાનો લક્ષ્યાંક છે.

જીએસટી લાગુ થયા બાદ સરકારને જો સેસ લગાવવાની જરૂર પડે છે તો તેનો નિર્ણય કેન્દ્ર નહીં, પરંતુ જીએસટી કાઉન્સિલ લેશે. આ કાઉન્સિલની સંમતિ સિવાય નવો કોઇ સેસ લાદવામાં નહીં આવે.

You might also like