જીએસટી આંદોલન વચ્ચે અમલ

દેશનાં અર્થતંત્રમાં નાના અને મધ્યમ વર્ગનાં વેપાર – ઉદ્યોગનો મહત્ત્વનો હિસ્સો છે. રોજગારી આપવાથી માંડીને હુંડિયામણ કમાવી આપવા સુધીના તબકકામાં નાના વેપારીઓ – ઉદ્યોગકારો અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. કેન્દ્ર સરકારે એટલે જ એમએસએમઈ માટે આખું મંત્રાલય ઉભું કર્યુ છે. હવે જયારે જીએસટીનો અમલ થવા જઈ રહયો છે ત્યારે બજારમાંથી તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને નાના અને મધ્યમકક્ષાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજયનાં મોટા ભાગના માર્કેટ યાર્ડો , કાપડ અને ડાયમંડ માર્કેટે બંધ પાળીને જીએસટીનો વિરોધ કર્યો છે. વિરોધ અને આંદોલન વચ્ચે જીએસટીનો અમલ થવા જઈ રહયો છે.

રાજયના વેપાર – ઉદ્યોગ સંગઠનના હોદ્ેદારો, વેપારીઓ , ખેડૂત આગેવાનો અને કેટલાક ટેક્સ નિષ્ણાતો એવુ માની રહ્યા છે કે જીએસટીની જાળમાં નાના વેપારીઓને સૌથી મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. કેટલાક વ્યવસાયો કે ઉત્પાદનો એવા છે કે તેના પર અગાઉ કરનો બોજો હતો નહી હવે આકરો કર લાદવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અનાજ , તેલીબિયા પર જીએસટીમાં આકરો કર લાદવામાં આવ્યો છે. જીએસટીમાં ર૦ લાખથી વધુ ટર્નઓવર કરનારા વેપારીઓ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. નાના વેપારીઓને જીએસટીના અમલ બાદ હિસાબો રાખવા માટે સીએ અથવા તો ટેક્સ એક્સપર્ટને ફરજિયાત રાખવા પડશે તેનાં વધારાનો ખર્ચ દરેકને પોષાય તેમ નથી. ઉદ્યોગકારો કહી રહ્યા છે કે જીએસટીની હજુ કોઈ ચોકકસ રૂપરેખા તૈયાર થઈ નથી.

તા. ૧ લી જુલાઈએ જેનો અમલ થવાનો છે છતાં હજુ કઈ આઈટમ પર કેટલો કર લેવામાં આવશે તે ફાઈનલ નથી. સતત બેઠકો મળી રહી છે અને સુધારાઓ થઈ રહ્યા છે. હજુ ૧૮ જૂને મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં

આવ્યા . મતલબ કે જે મહત્ત્વના કાયદાનો અમલ થવાની તારિખના દસ – બાર દિવસ પહેલા સુધી સુધારા – વધારા અને કેટલીક ચીજો પર કેટલો કર લાગશે તેનો નિર્ણય કરવામાં આવ્યો.  વેપારીઓ હજુ કાયદાની પૂરી સમજણ નહી મેળવે એ પહેલા તો અમલ શરૂ થઈ જશે. ખરેખર તો વેપારીઓ – ઉદ્યોગકારોને કરની જોગવાઈઓ પૂરી સમજવા માટે સમય આપવો જોઈએ. વેપારીઓ કહે છે આજે તો સ્થિતિ એવી છે કે સીએ કે ટેક્સ એક્સપર્ટ પણ જીએસટીની જોગવાઈઓ અંગે કોઈ ફોડ પાડીને સમજ આપતા નથી આવી સ્થિતિમાં કેટલાક વેપારીઓએ તો નવા ઓર્ડરો લેવાનું બંધ કરી દીધું છે.

ભારતમાં જીએસટીનાં પોર્ટલ મારફત  આશરે અત્યાર સુધીમાં ૮૩ લાખ જેટલા વેપારીઓએ નોંધણી કરાવી છે તેમાં ગુજરાતનાં આશરે પ લાખ વેપારીઓનો સમાવેશ થાય છે. જામનગરનાં ટેક્સ એક્સપર્ટ અક્ષત વ્યાસનાં કહેવા મુજબ જીએસટીના કાયદા મુજબ દરેક વેપારીએ રિટર્ન ફાઈલ ફરજિયાત કરવાનાં રહેશે. રૂ. ૭પ લાખથી ઓછું ટર્નઓવર હશે તેમને દર ત્રણ મહિને રિટર્ન ફાઈલ કરવાના રહેશે મતલબ કે વર્ષમાં ચાર વખત રિટર્ન ભરવાનાં થશે. હિસાબોનાં ઑડિટ માટે પણ એક જોગવાઈ એવી છે કે ચોકકસ મર્યાદા કરતાં વધુ ટર્નઓવર હોય તો તે પેઢીનાં હિસાબો સીએ મારફત જ ઑડિટ કરવા પડશે.  હવે નાના વેપારીને સીએ પાસે ઑડિટ કરાવવા જવું પોષાય તેમ નથી હોતું. ભારતમાં ૭૩ હજાર જેટલા સીએ અને ૪ લાખ જેટલા ટેકસ ઍડ્વોકેટ કામ કરી રહ્યા છે. આજે એક કરોડનું ટર્નઓવર તો નાના વેપારીઓનું આસાનીથી થઈ જતું હોય છે તેને ઑડિટ માટે કેટલીક આકરી જોગવાઈઓનું પાલન કરવું પડશે. આવા કેટલાક મુદ્દાઓ અંગે સરળીકરણ કરવા કેન્દ્રિય પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે.

અનાજ પર કર ના હતો પણ જીએસટી અમલી બન્યા બાદ અનાજ યાર્ડમાંથી બહાર જાય તેના પર પાંચ ટકા ટેક્સ ઝીંકવામાં આવતા તેનાં વિરોધમાં ગુજરાતનાં અનેક માર્કેડ યાર્ડોએ બંધ પાળીને વિરોધ વ્યકત કર્યો છે. ગુજરાતમાં સૌથી પહેલા જૂનાગઢમાં બંધનું એલાન અપાયું હતું. જૂનાગઢ ચેમ્બર ઑફ કોમર્સે તો તા.૧પ જૂને શહેર બંધનું એલાન આપતા જૂનાગઢ અને તેની સાથે ભેંસાણ અને કેશોદ જીએસટીના કાયદા સામે રોષ વ્યકત કરવા બંધ રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સહિતનાં કેટલાક માર્કેટ યાર્ડોના વેપારીઓએ એક દિવસ હડતાળ પાડી જીએસટીનો વિરોધ કર્યો હતો. સ્થાનિક વેપારીઓએ જીએસટીનો વિરોધ વ્યકત કરતું આવેદનપત્ર સતાવાળાઓને આપ્યું હતુ. વેપારીઓને રિટર્ન ભરવાની જોગવાઈ અને કેટલીક વિસંગતતાઓ દૂર કરવા રજૂઆતો કરી હતી.

જીએસટીનો કાયદો આવશે એટલે દેશની પ્રગતિને વેગ મળશે અને કર માળખું સરળ બનશે તેવું સમજાવવા ભારત સરકારનાં જુદા જુદા વિભાગો મારફત જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પણ વડા પ્રધાન મોદીના હોમ સ્ટેટ એવા ગુજરાતમાંથી જ વિરોધ  ઉભો થઈ રહ્યો છે આગામી દિવસોમાં આ વિરોધ વંટોળનું સ્વરૂપ લે તો નવાઈ નહી. જીએસટીની અટપટી જોગાવઈઓ વેપારીઓને ગળે ઉતરતી નથી.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનનાં પ્રમુખ  અને તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા જયેન્દ્ર તન્ના કહે છે જીએસટીનો અમલ થશે તો મોટી કૉર્પોરેટ કંપનીઓને ફાયદો થવાનો છે પણ નાના વેપારીઓ કે ઉદ્યોગકારોને ભારે હાડમારી ભોગવવી પડશે અને નુકસાન જશે. જીએસટી આવવાથી મોંઘવારી ઘટશે અથવા તો જીવન જરૂરી ચીજોના ભાવ ઘટશે તેવી લોકોની અપેક્ષા સંતોષાવાની નથી એટલું જ નહી સામાન્ય માનવીની મૂળભૂત જરૂરિયાત છે રોટી , કપડા અને મકાન આ ત્રણેય સેગમેન્ટમાં જીએસટીમાં આકરા કરની જોગવાઈઓ લાદવામાં આવી છે. યાર્ડોમાંથી અનાજ બહાર નીકળે એટલે પ ટકા ટેક્સ લાગી જશે.જયારે કાપડ , યાર્ન પર કર ભારણ વધારવામાં આવ્યું છે એટલે જ અમદાવાદ, સુરત જેવા શહેરોનાં કાપડના વેપારીઓએ બંધ પાળીને જીએસટીનો વિરોધ કર્યો છે. મકાનની વાત કરીએ તો આમ આદમીનું પોતાનું મકાન બનાવવાનું એક સપનું હોય છેે પણ જીએસટી લાગુ થયા બાદ સિરામિક સહિતનાં મટીરિયલ્સમાં આકરા કરનો સ્લેબ લાદવામાં આવ્યો છે. હાર્ડવેર વેપાર પર ર૮ ટકા જેટલો કર જીએસટીમાં ઝીંકાતા ગુજરાતનાં હાર્ડવેર અસોસિએશનોએ બંધ પાળ્યોે હતો.

તેઓ કહે છે સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ ડાયમંડ છે તેને પણ જીએસટીમાં કોઈ રાહત મળી નથી ઉલ્ટાનું જુદા જુદા તબકકામાં કર નાખવામાં આવ્યો છે. કર માળખામાં સરળીકરણની વાત સરકાર કરી રહી છે પણ હકીકત એ છે કે જીએસટી આવ્યા બાદ નાના વેપારીઓની હિસાબ-કિતાબ રાખવાની પળોજળ વધી જવાની છે. ર૦ લાખનું ટર્નઓવર ગામડાનાં નાના વેપારીઓનું પણ થઈ જાય છે હવે વેપારીઓ ઈન્ટરનેટ કનેકશન શોધી પોર્ટલ પર નોંધણીઓ કરાવે , સીએ કે ટેક્સ એક્સપર્ટને વારંવાર મળવા જાય કે ધંધો

કરવો ? તે સૌથી મોટો સવાલ ઉભો થવાનો છે. કાયદામાં વિસંગતતાઓ છે. ગુજરાતમાં કૃષિ બાદ સૌથી વધુ રોજગારી આપતો કોઈ ઉદ્યોગ હોય તો તે ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝ છે. જીેઅસટી સામે હીરા બજારનાં ઉદ્યોગકારોનો પણ રોષ છે. ગુજરાતમાં આશરે ૧૦ લાખ જેટલા હીરાનાં કારીગરો કામ કરી રહ્યા છે. સુરત, બાપુનગર, સૌરાષ્ટ્રમાં જસદણ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગઢડા એ હીરા ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. જીએસટીનાં વિરોધમાં શનિવારે રાજ્યમાં જુદા જુદા શહેરોમાં હીરાબજારે બંધ પાળ્યો હતોે. ગુજરાત ડાયમંડ ફેડરેશનનાં પ્રમુખ લલિત ઠુંમર કહે છે જીએસટીમાં આકરા કર લાદવામાં આવતા લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ પડી ભાંગશે. રફ ડાયમંડ પર ૩ ટકા અને ડાયમંડ પોલીશિંગના જોબ વર્ક પર ૧ર ટકા જેટલો ટેક્સ જીએસટીમાં લાદવામાં આવી રહયો છે. અમારી માગણી એવી છે કે નાના કારખાનેદારોેને કર જાળમાંથી બાકાત રાખવામાં આવે.

જીએસટીથી ૧૩ કર નાબૂદ થશે

આર્થિક બાબતનાં નિષ્ણાત પ્રશાંત વાળા કહે છે કે જીએસટી એટલે માલ અને સેવા પર લાગતો વેરો એવું સરળ રીતે સમજી શકાય. જીએસટીમાં સપ્લાય પર કર લાગશે. માલ અને સેવા પર જે આડકતરા વેરા લાગતા હતા તે હવ નાબૂદ થશે. નેશન વન ટેક્સનું માળખું લાગુ પડશે. વેટ અને વેચાણવેરામાં ખરીદ અને વેચાણનાં વ્યવહારો પર વેરો લાગુ કરવામાં આવે છે અને ઉત્પાદન પર એકસાઈઝ ડ્યૂટી લાગે છે. જયારે જીએસટીમાં માલ અને સેવાનાં સપ્લાય પર વેરો લગાડવામાં આવશે. હાલ એકસાઈઝ ઉમેર્યા બાદની કિંમત પર વેટ લાગે છે પરતું જીએસટીમાં વેરા પર વેરો નહી લાગે. જીએસટીનાં માળખામાં ત્રણ પ્રકારનાં ટેક્સ રહેશે. સીજીએસટી એટલે કે કેન્દ્ર સરકાર જે વસૂલશે તે એસ જીએસટી એટલે કે રાજય સરકાર વસૂલશે તે અને આઈજીએસટી એટલે કે ઈન્ટીગ્રેટેડ સર્વિસ ટેકસ જે બે રાજયો વચ્ચેનાં વેપાર પર લાગુ પડશે.

જીએસટી લાગુ પડ્યા બાદ ૧૩ જેટલા ટેક્સ નાબૂદ થશે. કયા કયા પ્રકારના ટેક્સ નાબૂદ થશે તેની માહિતી જોઈએ તો ૧ , સેન્ટ્રલ એકસાઈઝ ર , એકસાઈઝ ઍન્ડ કસ્ટમ ડ્યૂટી ૩ , કસ્ટમ પર લાગતી ખાસ વધારાની ડ્યૂટી એસએડી ૪ , સર્વિસ ટેક્સ પ, માલ અને સેવા પર લાગતો સેસ અને સરચાર્જ ૬, વેટ ૭ , સેન્ટ્લ સેલ્સટેક્સ ૮ , પરચેઝ ટેક્સ ૯ , લકઝરી ટેક્સ , ૧૦ , એન્ટ્રી ટેક્સ ૧૧, મનોરંજન ટેક્સ ૧ર , જાહેરાતો , લોટરી , જુગાર તથા બેટીંગ પર લાગતા ટેક્સ અને ૧૩ રાજયનાં સેસ અને સરચાર્જ. આમ કર માળખું સરળ થશે. જીએસટી લાગુ થવાથી અર્થતંત્રમાં તેજીનો સંચાર થશે અને જીડીપીમાં ૧.પ થી ર ટકા સુધીનો વધારો જોવા મળશે.

ક્યા સેકટરને કેવી છે મુશ્કેલી?

અનેક અડચણો વચ્ચે જીએસટીનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે ક્યા ક્યા મોટા ઓૈદ્યોગિક સેકટરોેેને નવા કરને લઈને કેવી મુશ્કેલી છે આવો જોઈએ.

ટેલિકોમ સેક્ટર:  આ સેક્ટરને ૧૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યું છે. આ ક્ષેત્રના ઉદ્યોગકારો એવું ઈચ્છી રહયા છે કે આ ઉદ્યોગ મોટી રોજગારી આપે છે તેને હળવા કરના સ્લેબમાં રાખવામાં આવે.

આઈટી સેક્ટર: આઈટી અને હાર્ડવેર સેક્ટરને ર૮ ટકાનાં ઉંચા સ્લેબમાં રાખવામાં આવતા વિરોધ થયો છે. આ સેક્ટરની માગણી છે કે ર૮નાં બદલે ૧૮ ટકાનો સ્લેબ કરવામાં આવે.

સિરામીક ઉદ્યોગ: ગુજરાતમાં મોરબી સહિતનાં વિસ્તારોમાં સિરામીક ઉદ્યોગ મહત્વનું સ્થાન ઘરાવે છે, સિરામીક ઉદ્યોગ પર ૨૮ ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે તે ૧૮ ટકા કરવા માંગણી કરવામાં આવી છે.

પગરખા ઉદ્યોગ: પગરખા બનાવતા ઉદ્યોગ પર ર૮ ટકા ટેક્સ જીએસટીમાં લાદવામાં આવ્યો છે. તેને પણ પ ટકાના સ્લેબમાં રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. બ્રાન્ડેડ પગરખા પર આટલો ઉંચો ટેક્સ છે.

કાપડ ઉદ્યોગ:બ્રાન્ડેડ કપડાને ૧૮ ટકાના ઉંચા સ્લેબમાં રાખવામાં આવતા આ ઉદ્યોગ ભીંસમાં મુકાય જાય તેવી હાલત છે ત્યારે આ ઉદ્યોગ પર કર ભારણ ઘટાડવાની માગણી કરવામાં આવી છે.
કયાં દેશમાં કેટલો ટેક્ષ?
આગામી તા. ૧ લી જુલાઈથી ભારતમાં જીએસટી અમલી બની રહ્યો છે. જુદા જુદા ચાર તબકકામાં ર૮ ટકા સુધીનો કર લાદવામાં આવશે. દુનિયાનાં મુખ્ય દેશોમાં કેટલા ટકા સુધી જીએસટીમાં ટેક્સ છે તેની એક ઝલક જોઈએ.

અમેરિકા            ૭.પ ટકા

ઓસ્ટ્રિેલયા  ૧૦ ટકા

બહેરીન             પ ટકા

કૅનેડા               ૧પ  ટકા

ચાઈના             ૧૭ ટકા

ભારત       ર૮ ટકા

જાપાન             ૮ ટકા

કોરિયા       ૧૦  ટકા

કુવૈત               પ  ટકા

મલેશિયા           ૬ ટકા

મોરેશિયસ  ૧પ ટકા

મેક્સિકો     ૧૬ ટકા

મ્યાનમાર          ૩ ટકા

ન્યૂઝીલેન્ડ          ૧પ ટકા

ફિલીપાઈન્સ        ૧ર ટકા

રશિયન ફેડરેશન   ૧૮ ટકા

સિંગાપોર    ૭ ટકા

સાઉથઆફ્રિકા       ૧૪ ટકા

થાઈલેન્ડ    ૭  ટકા

યુએઈ       પ ટકા

વિયેતનામ  ૧૦ ટકા

ઝિમ્બાબ્વે    ૧પ ટકા

જીએસટીમાં નફાખોરી કરનારા સામે કડક પગલા લેવાશે: જેટલીની ચેતવણી 
અરૂણ જેટલીનાં અધ્યક્ષ સ્થાને તા. ૧૮ જૂને જીએસટી કાઉન્સિલની ૧૭મી બેઠક મળી હતી. આ બેઠકમાં એૈસોચેમ જેવી સંસ્થાઓએ વેપારીઓને તૈયારી માટે સમય આપવા જીએસટીની અમલવારી પાછી ઠેલવાની માગણી કરી  હોવાનો મુદ્દોે ઉઠયો હતો પણ તેને ફગાવી દેવામાં આવ્યો હતો. અરૂણ જેટલીએ વધુ એક વખત કેન્દ્ર સરકાનું વલણ આ બાબતમાં સ્પષ્ટ કર્યું હતું કે તા. ૧લી જુલાઈથી જીએસટીનો અમલ કોઈ પણ ભોગે કરવામાં આવશે. જો કે સરકારે રિટર્ન ફાઈલ કરવા સહિતની કેટલીક બાબતોમાં રાહતો આપી હતી.

કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી લાગુ થયા બાદ વેપારીઓ અને ઉધોગકારોને એવી અપીલ કરી છે કે કરમાં જે ફાયદો થાય તેે તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે. સરકાર નફાખોરી ચલાવી લેવા માગતી નથી નફાખોરીને ડામવા માટે કડક નિયમો લાવી રહી છે. તેમણે ખાસ કરીને રિયલ એસ્ટેટ ડેવલપર્સને એવી અપીલ કરી હતી કે બિલ્ડિંગ નિર્માણ માટેની સામગ્રીમાં જે ટેક્સ છૂટનો લાભ મળી રહ્યો છે તે ખરીદનાર વર્ગને આપવામાં આવે. આવો લાભ ગ્રાહકોને નહી આપનારા સામે નફાખોરી વિરોધક કાનૂન હેઠળ કડક પગલા લેવામાં આવશે.

જીએસટી લાગુ કરવા માટે સરકાર આગળ વધી રહી છે તેમ જુદી જુદી જોગવાઈઓનો વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને જીએસટીમાં દરમહિને રિટર્ન ફાઈલ કરવાની જે જોગવાઈ છે તેનો વિરોધ થતાં અરૂણ જેટલીએ વેપારીઓને એવી રાહત આપી છે કે ૧લી જુલાઈએ જીએસટીનો અમલ શરૂ થઈ રહ્યો છે પણ વેપારીઓ કાયદો અને તેની જોગવાઈઓને બરોબર સમજી શકે તે માટે બે મહિના સુધી રિટર્ન ફાઈલ કરવામાં છૂટછાટ મળશે. સપ્ટેમ્બરથી નિયમિત રિર્ટન ફાઈલ કરવાનાં રહેશે. કેન્દ્ર સરકાર સતત ટેક્સ અંગેના સ્લેબમાં ફેરફાર કરી શકય તેટલો વેપારીઓને ફાયદો કરવાનો પ્રયાસ કરતી હોવાનું નાણામંત્રી કહી રહ્યા છે. હૉટલનાં રૂમ ભાડા પર ટેક્સ અંગે એવો નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો કે જે હૉટલનાં રૂમનું ભાડું રૂ. ૭પ૦૦ થી વધારે હશે તેના પર ર૮ ટકા જીએસટી લાગશે. જીએસટી લાગુ પડે તે પહેલા હજુ એક વખત તા. ૩૦ મીએ કાઉન્સિલની મહત્ત્વની બેઠક મળશે તેમાં જીએસટીના ઐતિહાસિક કદમની તમામ કામગીરીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે.

કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી જીએસટીની જોગવાઈઓ અને તેનાથી કરમાળખું કેવી રીતે સરળ બનશે અને કરમાં કેવી રીતે રાહતો મળશે તે જુદા જુદા પ્લેટફોર્મ પરથી સમજાવી રહી છે. કેન્દ્રિય મહેસૂલ સચિવ હસમુખ અઢિયા પણ જીએસટીના મુદ્દેે સોશ્યલ મીડિયાની મદદથી વીડિયો વાઈરલ કરી જીએસટીની સમજ આપી રહ્યા છે. જીએસટીથી કરમાળખું સરળ બનવાની સાથે વેપારીઓને રાહત થશે. કેટલાક કર નાબૂદ થશે. રાજય અને કેન્દ્ર સરકારને મળનારી આવકની વહેંચણી ખૂબ સરળ બનાવવામાં આવી છે. આઈજીએસટી ટેક્સ એક રાજયમાંથી બીજા રાજયમાં માલ વેચનાર પર લાગશે. જો કે આઈજીએસટી એ એવો ટેક્સ છે કે વેપારીને આ ટેક્સ જે ભર્યો છે તેની ઈનપૂટ ટેક્સ ક્રેડિટ મળી જવાની છે.
GST ના અમલ વિશે શું વિચારે છે નિષ્ણાતો?
જીએસટી જો અમલ કરે તો સરકાર માટે એક હિંમતભર્યું પગલું ગણાશે. જીએસટીમાં કેટલીક વિસંગતતાઓ છે જેના કારણે ઈન્ડસ્ટ્રીઝ હજુ પણ કન્ફયુઝ છે. ટેક્સમાં રેટમાં ચાર સ્લેબ કર્યો છે વેપારીને ૩૭ જેટલાં રીર્ટન ભરવામાં થાય છે.

જીએસટીનાં કારણે વેપારીઓનાં સમયનો મોટો બગાળ થશે. આમેય વેપારીમાં મંદી છે. ત્યારે આવા સંજોગોમાં જીએસટીના અમલ માટે સરકારનો ખૂબ મહેનત કરવી પડશે.

જીએસટીની હાલની ટેક્સ સિસ્ટમનાં કારણે ઈન્સ્પેકટર રાજ આવી જશે. તથા વેપારીઓમાં ભયનો વ્યાપ વધી શકે છે.
ભાગ્યેશ સોનેજી, ચૅરપર્સન એસોચેમ – (વેર્સ્ટન રિજિયન)

જીએસટીમાં ગ્રાહકોને ખાસ કોઈ તકલીફ પડવાની નથી. ટેક્સ માળખું ખૂબ જ અટપટું અને વેપારીઓને મૂંઝવણ ઊભી કરનારું છે. સરકારે રો-મટીરિયલ્સ ઉપર ટેક્સ નાખવો જોઈએ. સરકારની જીએસટીની નીતિથી નાના કાપડના વેપારીને મરણતોલ ફટકો પડશે, જે દેશના આર્થિક વિકાસને પણ મંદ બનાવી શકે છે. સરળીકરણની વાત કરતી સરકારની જીએસટીમાં ક્યાંય સરળીકરણ નથી. પ્રજા અને અધિકારીઓ તથા ટેકસ નિષ્ણાતો જીએસટી સમજી શક્યા નથી તો વેપારીઓને ક્યાંથી ગળે ઊતરે! સરકારની જીએસટી અંગેની નીતિથી આર્થિક વિકાસ પણ મંદ પડી શકે છે. સરકારે કાપડ સેકટરમાં જોવા મળતી વિસંગતતા તથા ટેકસમાં રાહત આપી કાપડ ઈન્ડસ્ટ્રિઝને બચાવવી જોઈએ.
ગૌરાંગ ભગત (પ્રેસિડેન્ટ) મસ્કતી કાપડ માર્કેટ મહાજન

 

જીએસટી આવવાથી પ્રાથમિક તબક્કામાં મોંઘવારી વધશે. સરકારની આવક પણ વધશે. વર્ષ ર૦૦૬ પહેલાં સેલ્સ ટેકસમાંથી આવક થતી હતી  તે વેટ આવ્યા પછી વધી છે. આ જ વસ્તુ વેટમાંથી જીએસટીમાં જઈએ છીએ ત્યારે ઊંચા ટેકસ ભારણના કારણે સરકારને ખૂબ જ મોટો ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણી ચીજવસ્તુઓ અને સેવાઓ પર પહેલાં ઓછા રેટ હતા તે હવે ઊંચા રેટમાં આવતાં મોંઘી થઈ જશે, સર્વિસ ટેક્સમાં વર્ષમાં બે વાર રિટર્ન ભરવાનાં થતાં હતાં તે હવે ૩૭ રિટર્ન ભરવાનાં થશે ઓનલાઈન પ્રોસિજરના કારણે નાના વેપારીને સુવિધા મળવી મુશ્કેલ છે, ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ છે તો બીજી બાજુ જીએસટી આવવાથી ફાયદો એ છે કે ડિપાર્ટમેન્ટમાં ચક્કર લગાવવા પડતાં હતાં તે ઓનલાઈન થતાં ઘણું ઓછું થઈ જશે, સાથે-સાથે ભ્રષ્ટાચાર પણ ઓછો થશે તથા નવી રોજગારીની તકો વધશે. વિશ્વના ૧પ૦થી વધુ દેશોમાં જીએસટીનો અમલ થાય છે. સરકારે મોંઘવારી કે ફુગાવો અંકુશમાં આવે તે માટે કોઈ જ પગલાં લીધાં નથી તથા આ અંગે વિચારણા ચાલતી હોય તેવું હાલ લાગતું નથી. જીએસટી આવ્યા બાદ શરૂઆતનાં પાંચ વર્ષમાં રાજ્યને નુકસાની પેટે વળતર આપવામાં આવનાર છે.
વારિસ ઈસાની (વાઈસ પ્રેસિડેન્ટ) ગુજરાત સેલ્સ ટેક્સ બાર અસોસિએેશન

સરકારની આ ટેક્સ સિસ્ટમથી અનઓર્ગેનાઈઝ સેક્ટરનો ધંધો ચાલતો હતો તે લગભગ બંધ થઈ જશે. બે નંબરીમાં વેપારી પણ બંધ થઈ જશે. જીએસટીમાં વેપારીને ડાયરેક્ટ રેગ્યુલેટરી ઑથોરિટી સાથે કોન્ટેક્ટમાં આવવાનું રહેતું નથી.

કમ્પ્યૂટરથી પોતાનાં ટેક્સમાં કામ-કાજ સરળતાથી પતાવી શકાશે. જેથી કરપ્સનમાં મોટો ઘટાડો થશે જે દેશ માટે સારુ છે. સૌથી મોટો પ્રશ્ન છે તથા ૩૭ જેટલા રિટર્ન પણ ફાઈલ કરવામાં રહે છે. જે અધરી વસ્તુ છે. ઓવર ઓલ જીએસટી ટેક્સ માટે તથા ગ્રાહકો અને પેઢીઓ માટે લાંબાગાળે ફાયદાકારક છે.
શૈલેશભાઈ પટવારી, પ્રેસિડેન્ટ – ગુજરાત ચૅમ્બર ઑફ કોર્મસ ઍન્ડ ઈન્ડસ્ટ્રિઝ

જીએસટી આવવાથી સમગ્ર ભારતભરનું બજાર ખુલ્લું થશે. આંતર રાજ્ય વેપાર કરવામાં અત્યારે મુશ્કેલી પડતી હતી. તે સરળ થશે. જીએસટીનાં કારણે જેવર્લરી સેક્ટર લઘુ અને કુટીર ઉદ્યોગ જેવા શબ્દોમાંથી બહાર આવી કોર્પોરેટ શબ્દથી પણ આગળ એક મોટી ઈન્ડસ્ટ્રીઝ તરીકે પણ ઉભરી જઈ શકે છે. જેનાં કારણે ફોરેનનું ઈન્વેસ્ટમેન્ટ પણ આવી શકે છે. જીએસટીનાં કારણે એકાઉન્ટીંગ પદ્ધતિ સરળ થશે. તથા ગ્રાહકોને સમગ્ર દેશમાં સોનાનો એક સરખો ભાવ મળી શકશે. જેનાથી તંદુરસ્ત હરિફાઈ પણ વધશે. સરકારે સોનાની જ્વેલરી ઉપર ત્રણ ટકા જીએસટી લાદવાના નિર્ણયની જાહેરાત કરી છે. તે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે. તેનાથી ગ્રાહક અને વેપારીને ફાયદો થશે. તથા સરકાને પણ ટેક્સની આવકમાં વધારો થશે.
જીગરભાઈ સોની  (સેક્રેટરી) અમદાવાદ જ્વેલર્સ અસોસિએશન

જીએસટી સામે વિરોધ: સરકારને બચવું મુશ્કેલ

દેશમાં આઝાદી પછીનું સૌથી મોટું ટેક્સ રિફોર્મ તા.૧ જુલાઇથી જીએસટી દ્વારા આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે જીએસટીને દેશના વિકાસનું એન્જિન દેખાડી પ્રજાને જીએસટીના અનેક લાભ બતાવ્યા છે. જીએસટી બાદ વેપાર-ધંધાની સરકારી પ્રક્રિયા સરળ થઇ જશે, આંતરરાજ્ય

વેપારમાં રહેલી તમામ અડચણો દૂર થઇ જશે, આમપ્રજાને મોંઘવારીમાંથી મુક્તિ મળી જશે, દેશનો આર્થિક વિકાસ વધી જશે, વિગેરે વિગેરે અનેક સપનાઓ દેખાડ્યા છે છતાં પણ જીએસટી સામે દેશભરમાંથી વિરોધનો વંટોળ ઉઠયો છે અને વેપારીઆલમનો રોષ જીએસટી સામે દિવસેને દિવસે વધી રહ્યો છે. એક તરફ સરકાર જીએસટીના નામે અનેક સપનાઓ દેખાડે છે અને બીજી તરફ વેપારીઓ જીએસટી બાબતે આગબબૂલા થયા છે. હવે એવા લોકો કે જેમને જીએસટી સાથે કંઇ જ લાગતું વળગતું નથી તેવા લોકોને આ બધું તમાશા જેવું લાગે છે ત્યારે જીએસટી અને તેની અસરોનું સાચું ચિત્ર શું છે? તેનો તાગ મેળવીએ.

નિષ્ણાતોનું મંતવ્ય અને વિરોધ

વિશ્વના ટોચના ટેક્સ કન્સલટન્સો, બૅન્કો અને ફાયનાન્સ કંપનીઓ ભારતમાં લાગુપડનારી જીએસટીની પધ્ધતિ અને જોગવાઇઓની ભારે ટીકા કરી રહ્યા છે. કેટલાંક ટોપલેવલના અગ્રણીઓના અભિપ્રાયો જોઇએ તો યુરોપિયન નામાંકિત બૅન્ક ડચ બૅન્કના ઇકિવટી રિસર્ચના હેડ અભય લઇજાવાલા કહે છે કે જીએસટીના અમલ માટે ભારત સરકાર જે નીતિ અપનાવી રહી છે તેવી નીતિ વિશ્વની અગ્રિમ હરોળના વિકસિત દેશોએ પણ અપનાવી નથી, અમેરિકા પણ આવી નીતિનો અમલ કરવાનું જોખમ લઇ શકે તેમ નથી.  મુંબઇના ટોચના બિઝનેસમેન અને એકાઉન્ટિંગ કંપનીઓના વડાઓની યોજાયેલી કોન્ફરન્સમાં વિશ્વની નામાંકિત એકાઉન્ટિંગ કંપની અર્નેસ્ટ ઍન્ડ યંગના પાર્ટનર ઉદય પીમ્પરીકરે જણાવ્યું હતું કે ભારત સરકાર જીએસટી દ્વારા દેશની આમપ્રજાને ટેક્સ કલેકટર (કરવેરા ઉઘરાવનાર) બનાવવા માગે છે. પેરિસમાં હેડકવાર્ટર ધરાવતી ફ્રેન્ચની મલ્ટીનેશનલ બૅન્કિંગ અને ફાયનાન્શિયલ કંપની સોસાયટ જનરલના ઍનાલિસ્ટ કુનાલ કંદૂએ કહે છે  ભારતમાં અમલમાં આવનારી જીએસટી જેવી અટપટી સિસ્ટમ વિશ્વમાં કયાંય નથી. જીએસટીથી નાના વેપારીઓ પર અસહ્ય બોજો વધશે. લંડનમાં હેડકવાર્ટર ધરાવતી બ્રિટિશ મલ્ટીનેશનલ ઍન્ડ ફાયનાન્સિયલ કંપની એચએસબીસી (હોંગકોંગ ઍન્ડ શાંઘાઇ બૅન્કિંગ કૉર્પોરેશન)ના ભારત ખાતેના ચીફ ઇકોનોમિસ્ટ પ્રાંજૂલ ભંડારી કહે છે કે જીએસટીના અમલની જોગવાઇઓ કોઇ પણ રીતે ભારતીય સિસ્ટમ માટે આદર્શ નથી. એચએસબીસીએ જ્યારે પ્રથમ વખત જીએસટી લાગુ પાડવાની જાહેરાત થઇ ત્યારે ભારતની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં ૦.૮ ટકા વધારો થવાનો અંદાજ મૂક્યો હતો પણ જીએસટીમાં ચાર પ્રકારના ટેક્સ બ્રેકેટ બનાવાયા અને થોકબંધ રિટર્ન ભરવાની જોગવાઇ લાગુ કરવાની જાહેરાત થઇ ત્યારબાદ એચએસબીસીએ ૦.૮ ટકા જીડીપીમાં વધારો થવાનો અંદાજ પાછો ખેંચી લીધો છે.

વેપારીઓને સૌથી મોટો વિરોધ મહિનામાં ત્રણ વખત રિટર્ન ભરવાનો અને ઓનલાઇન રજિસ્ટ્રેશન સામેનો છે આ ઉપરાંત કેટલીક સેવાઓ પર વધુ પડતો જીએસટી દર લાગુ પાડવા સામે પણ વિરોધ છે. હાલ રાજ્યના વેટના રિટર્ન દર ત્રણ મહિને ભરવામાં આવે છે જ્યારે જીએસટી લાગુ પડી ગયા બાદ દર મહિને ત્રણ રિટર્ન અને પાછું એક વાર્ષિક રિટર્ન પણ ભરવું પડશે. વેપારીઓનો બીજો વિરોધ જીએસટીમાં કરાયેલી આકરી સજાની જોગવાઇઓ સામે છે. કૉંગ્રેસના સાંસદ દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે જીએસટીમાં વર્ષે ૨૦ લાખ રૂપિયાનું ટર્નઓવર કરનારનો પણ સમાવેશ કરાયો છે, જેનો મતલબ એવો થયો કે કોઇ લારી-ગલ્લાવાળો કે નાની દુકાન ધરાવતો રોજનું પાંચ થી છ હજાર રૂપિયાનો માલ વેચતો હોય તો તેને પણ હવે જીએસટીના મહિને ત્રણ રિટર્ન અને બધી ભાંજગડ કરવી

પડશે. વળી જો જીએસટી ભરવામાં કોઇ ભૂલ રહી હોય તો વેપારીને સીધો જ જેલમાં પૂરી દેવાની જોગવાઇ કરવામાં આવી છે. વળી આ સત્તા ટેક્સ અધિકારીઓને આપી હોય હવે ટેક્સ અધિકારીઓ વેપારીઓને આકરી સજાનો ડર દેખાડી તગડા ઉઘરાણા કરશે. આ બાબતે દિગ્વિજયે જણાવ્યું હતું કે આખી વેપારી આલમને નરેન્દ્ર મોદી સરકારે ટેક્સ બ્યુરોક્રસીના સંકજામાં ફસાવી દીધી છે. નાના વેપારીઓ જેલમાં જવાની સજાથી ડરી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટો અને ટેક્સ પ્રેકિટશનરો

વેપારી આલમને જીએસટીની સજાનો ડર દેખાડીને હાલ તગડી ફી વસૂલી કરી રહ્યા છે. આવા વધારાના ખર્ચને કારણે નાના વેપારીઓના નફા સંકડાય ગયા છે અને ધંધો કરવાનું વિકટ બની ચૂક્યું છે. વળી જીએસટીનું રિટર્ન ઓનલાઇન ભરવાનું ફરજિયાત કરાયું છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી છેવાડેના ગામડાઓમાં ઉપલબ્ધ નથી ત્યારે છેવાડેના વેપારીઓને જીએસટીનું રિટર્ન ભરવા મહિનામાં ત્રણ વખત જ્યાં ઇન્ટરનેટનું કનેકશન ઉપલબ્ધ હોય ત્યાં આવવું પડશે અને તેના માટેનો ખર્ચ પણ વધી જશે. આમ, નાનો વેપારી તો જીએસટીના અમલ બાદ વેપાર-ધંધો જ કરી શકશે નહીં. આમ, હાલ જીએસટી સામે વેપારીઓનો જે વિરોધ થઇ રહ્યો છે તેમાં ભારે વજૂદ છે.

વચનો પર હવે કોઇને ભરોસો નથી

નોટબંધી વખતે નરેન્દ્ર મોદીએ દેશની પ્રજાને જણાવ્યું હતું કે ૫૦ દિવસની હાડમારી બાદ બધુ જ સરખું થઇ જશે, ગરીબી દૂર થઇ જશે, કાળું નાણું બહાર આવી જશે, આંતકવાદ ખતમ થઇ જશે, વિગેરે વિગેરે અનેક સપનાઓ દેખાડયા હતા પણ વાસ્તવમાં નોટબંધીથી દેશને કે આમપ્રજાને કોઇ લાભ થયો નથી. આંતકવાદ પણ ખતમ થયો નથી અને કાળું નાણું પણ બહાર આવ્યું નથી પણ દેશની પ્રજા હજુ પણ નોટબંધીની હાડમારી ભોગવી રહી છે ત્યારે જીએસટી બાદ મોંઘવારી ઘટી જશે અને દેશનો આર્થિક વિકાસ થશે તેવી નરેન્દ્ર મોદી સરકારની વાતો પર હવે કોઇને ભરોસો નથી. સામાન્ય માનવીના ઇલેકટ્રિસિટી, ટેલિફોન, વીજળીના બિલ, હૉટલમાં ખાણીપીણીનું બિલથી માંડીને તમામ પ્રકારની ખરીદી પર તગડો સર્વિસ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસની સરકાર હતી ત્યારે આ સર્વિસ ટેક્સ ૧૨ ટકા હતો. છેલ્લા ત્રણ વર્ષમાં સ્વચ્છતાં ટેક્સ,કૃષિ કલ્યાણ ટેક્સ વગેરે રૂડાંરૂપાળાં નામ આપીને આ ૧૨ ટકા સર્વિસ ટેક્સને ૧૫ ટકા કરી નાખ્યો છે અને હવે જીએસટીના અમલ પછી આ સર્વિસ ટેક્સ ૧૮ ટકા થઇ જશે. માત્ર ત્રણ વર્ષમાં સર્વિસ ટેક્સ ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા થયો એટલે કે ૫૦ ટકા વધારો થયો ત્યારે સરકાર આખા દેશની પ્રજાને એવું કહે છે કે જીએસટીના અમલ બાદ મોંઘવારી ઘટી જશે, તેવું કોઇ માને ?  વળી ૨૦૧૪ની ચૂંટણી અગાઉ આપેલા વચન બાદ છેલ્લા ત્રણ વર્ષથી આમપ્રજા ‘અચ્છે દિન’ની રાહ જોઇ રહી છે પણ હજુ સુધી રાજકારણીઓ અને ગુંડાઓ સિવાય કોઇના ‘અચ્છે દિન’ આવ્યા નથી ત્યારે જીએસટી અમલ પછી દેખાડવામાં આવેલા સપનાઓ પર કોને વિશ્વાસ બેસે ? વળી જીએસટીની જોગવાઇઓ અને તેની પદ્ધતિ વિશે દિલ્હીમાં બેઠા બેઠા રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા કલાકો સુધી બધાને સમજાવી રહ્યા છે, યુ ટયૂબમાં પણ આ વીડિયો મૂકેલો છે પણ વેપારીઓ સુધી આ રીતે વાત કઇ રીતેપહોંચે ? જીએસટીની સમજ છેવાડા સુધીપહોંચે તે માટે દરેક રાજ્યમાં જિલ્લા સ્તર સુધી જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે તે બાબતે કંઇ  જ થયું નથી. જીએસટીની પદ્ધતિ અને જોગવાઇઓમાં અનેક પ્રકારની ખામી રહેલી છે. મહિનામાં ત્રણ વખત રિટર્ન અને આકરી સજાની જોગવાઇથી

વેપારીઓને  એવું લાગે  છે કે સરકાર  આખા  દેશના વેપારીઓને ચોર સમજે છે જેને કારણે સરકાર સામે વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જો રોષનું નિરાકરણ કરવામાં સરકાર આંખ આડા કાન કરશે તો ભવિષ્યમાં સરકારને ભારે કિંમત ચુકવવી પડશે. કેનેડામાં ૫૭ ટકા બહુમતિ સાથે ચૂંટાયેલી સરકારે જીએસટી લાગુ કર્યો ત્યારબાદની ચૂંટણીમાં સત્તાસ્થાને બેઠેલા પક્ષને માત્ર બે જ ટકા મતો મળ્યા હતા અને સત્તા ગુમાવવી પડી હતી.
(લેખક આર્થિક બાબતોના નિષ્ણાત છે)

જીએસટીનો ઇતિહાસ

ભારતમાં જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ પાડવાની વાત સૌ પ્રથમ વખત વાજપાઇ ગર્વમેન્ટ દ્વારા ૨૦૦૦માં શરૂ થઇ હતી, એ વખતે પશ્વિમ બંગાળના ફાયનાન્સ મિનિસ્ટર અસીમ દાસગુપ્તાની આગેવાની હેઠળ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરાઇ હતી ત્યારબાદ યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)ની સરકાર દ્વારા ૨૦૦૬ના બજેટમાં તા.૧ એપ્રિલ,૨૦૧૦થી જીએસટી લાગુ પાડવાની જાહેરાત તે વખતના નાણામંત્રી પી. ચિદમ્બરમે કરી હતી. ૨૦૦૯ થી ૨૦૧૧ દરમિયાન જીએસટી લાગુ પાડવા માટે અનેક પ્રકારની રાજકીય ચહલપહલ થઇ હતી. નરેન્દ્ર મોદીએ તે વખતે જીએસટી બિલ લાગુ પાડવા સામે જબ્બર વિરોધ કર્યો હતો અને જીએસટી કદી સફળ નહીં થાય તેવું ભાજપ માને છે તેવું જાહેરમાં કહ્યું હતું. તાજેતરમાં રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે “હાલ ભાજપ સરકાર એવો દાવો કરે છે કે જીએસટી લાગુ પડયા બાદ દેશના આર્થિકવિકાસ દર (જીડીપી)માં પોણા બે થી બે ટકાનો વધારો થશે પણ કૉંગ્રેસે ૨૦૧૦માં જીએસટી લાગુ પાડવાની વાત કહી ત્યારે નરેન્દ્ર મોદીએ જ જબ્બર વિરોધ કર્યો હતો, જો એ વખતે જીએસટી લાગુ પડી ગયું હોત ભારતના આર્થિકવિકાસ દરમાં ૨૦૧૦થી વધારો થવાનો ચાલુ થઇ ચૂક્યો હોત અને ભારતને બહુ મોટો લાભ થયો હોત”.

આમ, ભાજપના વિરોધના કારણે યુપીએ સરકાર વખતે જીએસટીનો અમલ થઇ શક્યો નહીં.  નરેન્દ્ર મોદી સરકાર ૨૦૧૪માં સત્તારૂઢ થયા ત્યારબાદ આખો પવન ફરી ગયો અને નરેન્દ્ર મોદીને જીએસટીમાં ભારતનો વિકાસ દેખાવા લાગ્યો અને તેને લાગુ પાડવાની કવાયત શરૂ થઇ અને હવે તા.૧ જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ પડી રહ્યો છે. વિશ્વમાં જે દેશોએ જીએસટી લાગુ પાડ્યો છે તેમાંથી ૮૦ ટકા દેશોએ સીંગલ ટેક્સ (બધી જ ચીજવસ્તુઓ માટે એક જ દર) સિસ્ટમ લાગુ પાડી છે. ચીન, ધાના જેવા દેશોએ ભારતની જેમ અલગ-અલગ પ્રકારની ટેક્સ સિસ્ટમ લાગુ કરી હતી તે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઇ હતી.
http://sambhaavnews.com/

You might also like