જીએસટી આવે તે પૂર્વે વિવિધ કારોબારમાં સુસ્તી

અમદાવાદ: સરકારે કરેલા વાયદા મુજબ જીએસટી આવે તેના ગણતરીના દિવસો જ બાકી છે તેમ છતાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધે હજુ પણ અનિશ્ચિતતા જ જોવા મળી રહી છે, જેના પગલે મોટા ભાગના કારોબારીઓ નવા કામકાજથી અળગા જોવા મળે છે એટલું જ નહીં, સ્ટોક પણ હળવો કરી રહ્યા છે તથા નવા સ્ટોક રાખવાથી બચી રહ્યા છે.

સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન મટીરિયલ, મેડિસિન, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ જેવા વિવિધ સેગ્મેન્ટમાં તેની સીધી અસર જોવા મળી છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ફેડરેશનના જણાવ્યા પ્રમાણે જીએસટી આવે તે પૂર્વે કેમિસ્ટ ૫૫ ટકા સ્ટોકમાં ઘટાડો કરશે.

સાઈકલ પાર્ટ્સના ઉત્પાદકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમના જણાવ્યા પ્રમાણે નવા ઓર્ડરનો અભાવ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના વેપારીઓનું માનવું છે કે જીએસટી આવે તે પૂર્વે જ તેઓની મુશ્કેલી વધી ગઇ છે. ફૂડ પ્રોસેસિંગ સેક્ટર સાથે જોડાયેલાનું માનવું છે કે તેઓએ અનાજની ખરીદીમાં ૫૦ ટકા ઘટાડો કરી દીધો છે. મોટા ભાગના કારોબારીઓનું માનવું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલી અને કેટલા સમયની મળશે તે અંગે અનિશ્ચિતતાના કારણે કારોબારી જગતમાં સુસ્તી જોવા મળી રહી છે.

પ્લાસ્ટિક ઉત્પાદન ઉપર ૨૮ ટકા જીએસટી દૂર કરવા માગ
પ્લાસ્ટિક ઉદ્યોગે રોજબરોજના ઉપયોગની અને વિવિધ પ્લાસ્ટિકની ચીજ ઉપર નક્કી કરાયેલા જીએસટીના દરમાં જોવા મળી રહેલી વિસંગતતાઓને દૂર કરવા માટે સરકારને અનુરોધ કર્યો છે. પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકનું ફર્નિચર, તાડપત્રી, ઓફિસ તથા સ્કૂલ માટેની પ્લાસ્ટિકની વિવિધ ચીજવસ્તુ, પીવીસી ફ્લોરિંગ,વેક્યુમ ફ્લાસ્ક્સ જેવી ચીજવસ્તુનો સામાન્ય માણસ ઉપયોગ કરે છે. તેના પર કાઉન્સિલે ૨૮ ટકા જીએસટી લાદયો છે. આ સંજોગોમાં આ ચીજ વસ્તુના ભાવ વધશે.

પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશને જે ચીજ વસ્તુઓ પર ૨૮ ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે તેને ઘટાડીને ૧૨ ટકા જેટલો કરવા માગ કરી છે. તેનું માનવું છે કે જીએસટીના ઊંચા દરના કારણે નાનાં અને મધ્યમ કદનાં એકમોને સૌથી વધુ નકારાત્મક અસર થશે. ૫૦ હજાર પ્લાસ્ટિકના એકમમાંથી એક અંદાજ મુજબ ૯૫ ટકા નાનાં અને મધ્યમ કદનાં ઉદ્યોગો છે, જેમાં આ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે.

ડ્રાય ફ્રૂટ્સના વેપારીઓએ ઊંચા જીએસટી દરનો વિરોધ કર્યો
ડ્રાય ફ્રૂટ્સના વેપારીઓએ જીએસટી પાંચ ટકાના દરે રાખવાની માગ કરી છે. કાઉન્સિલે ડ્રાય ફ્રૂટ્સ પર ૧૨ ટકાના દરે વેરો નાખ્યો છે, જેના કારણે ભાવ વધવાની ભીતિ વ્યક્ત કરાઇ છે. ઊંચા ટેક્સના કારણે સરહદ પારથી દાણચોરી થવાની પણ દહેશત વ્યક્ત કરાઇ છે. ડ્રાય ફ્રૂટ ઉદ્યોગ સાથે જોડાયેલું સંગઠન ઇન્ટરનેશનલ નટ એન્ડ ડ્રાય ફ્રૂટ કાઉન્સિલના કહેવા પ્રમાણે ઊંચા દરના કારણે ભાવમાં વધારો થશે તથા ગેરકાયદે કારોબાર વધશે. નોંધનીય છે કે દેશમાં ડ્રાય ફ્રૂટ્સનું માર્કેટ ૪૦-૫૦ હજાર ટન છે. ૨૦૨૧માં ૧૦ લાખ ટન થવાનું અનુમાન છે. ડ્રાય ફ્રૂટમાં બદામના વેપારનો હિસ્સો ૮૦ ટકા છે.

http://sambhaavnews.com/

You might also like