GST: બિલ્ડિંગનો પ્લાન તૈયાર, ચણતર હજુ બાકી

ભારતના આર્થિક વિકાસમાં બીજો ક્રાંતિકારી નિર્ણય GST આડેના રાજકીય અવરોધો દૂર થતાં સાકાર થયો છે. ૧૯૯૧માં આર્થિક સુધારાના પાયા ખોદાયા બાદ જુદા જુદા કસબાની જેમ ફેલાયેલી ભારતીય માર્કેટને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય એટલે GSTને મંજૂરી અને તેનો અમલ કરવો. રાજકીય આંટીઘૂંટીમાંથી પસાર થઈ હવે GST જુદાજુદા મંજૂરીના તબક્કામાંથી પસાર થશે ત્યારબાદ તેના અમલની મસમોટી રૂપરેખા તૈયાર થશે. GSTનું ફૂલફોર્મ જનરલ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ.

GSTની મંજૂરી બાદ હવે સમગ્ર દેશમાં તમામ પ્રકારના વેપાર, ઉદ્યોગ અને સેવા માટે એક જ કાયદો અને એક જ પ્રકારનું ટેક્સમાળખું હશે. આખા દેશમાં હવે એક જ માર્કેટ હશે અને તેનું સંચાલન કેન્દ્રીય સ્તરે થશે. જુદા જુદા રાજ્યો દ્વારા ઉઘરાવતાં અનેક પ્રકારના ટેક્સ હવે બંધ થઈ જશે અને તેની જગ્યાએ એક જ ટેક્સ આવશે. જેમ બિલ્ડિંગનો પ્લાન મંજૂર થાય તે જ રીતે GSTનો પ્લાન મંજૂર થયો છે, હજુ બિલ્ડિંગ બનાવવા માટે જેમ ફાઇનાન્સ જોઇએ, મજૂરો જોઇએ, કોન્ટ્રેક્ટર જોઈએ તે જ રીતે GSTને લાગુ પાડીને તેને બરાબર રીતે ચલાવવાના ભગીરથ કાર્યને પાર પાડવાનું બાકી છે. નરેન્દ્ર મોદી સરકાર માટે GSTને સાકાર કરવું એટલે અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવું કઠિન કાર્ય બનશે. અભિમન્યુનો એક જ કોઠો વિંધાયો છે, હજુ છ કોઠા વિંધાવાના બાકી છે.

ખૂબીઓ અનેક, અમલ કઠિન
GSTની મંજૂરી બાદ દેશભરમાં એક જ નવી જ ચેતનાનો સંચાર થયો છે, કારણ કે આટલા મોટા દેશમાં એટલા બધા પ્રકારના ટેક્સ હતા કે કોઈપણને વ્યવસાય ચલાવવો એ એક પડકાર બની ચૂક્યો હતો. ભ્રષ્ટ બ્યુરોક્રસીએ જુદા જુદા કાયદાઓની છટકબારી દ્વારા વ્યવસાય કરનારાઓને હેરાન પરેશાન કરી દીધા હતા. આ તમામ પરેશાનીમાંથી મુક્તિ મળે તેવા કાયદાને મંજૂરી મળવી તે એક હાશકારાનો અહેસાસ કરાવે, તે સ્વભાવિક છે, પણ GSTના અમલ બાદ તમામ મુશ્કેલીએ જાદુઈ ચિરાગની જેમ દૂર થઈ જશે તે માનવું ભૂલભરેલું ગણાશે.

GSTને ઔપચારિક મંજૂરી વિનાવિઘ્ને મળે તો જ એપ્રિલ ૨૦૧૭થી GSTનો અમલ કરવો શકય બનશે. GSTના અમલ થયા બાદ તેનું આખું માળખું તૈયાર કરવું પડશે, અધિકારીઓને ટ્રેનિંગ આપવી પડશે. તમામ રાજ્યોની આવકનો સ્ત્રોત બંધ થતાં તેમની આવક માટે નવી વ્યવસ્થા ઊભી કરવી પડશે. આ તમામ કાર્ય પાર પાડવા લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કાર્ય છે. આખી પ્રક્રિયા સેન્ટ્રલી અને આધુનિક ટેક્નોલોજીવાળી હોવાથી તેમાં ભ્રષ્ટાચાર કરવા માટે બહુ જ ઓછા ચાન્સિસ હશે આથી આ નવા માળખામાં ભ્રષ્ટ, આળસુ અને કામચોર બ્યુરોક્રસીને ઢાળવી બહુ જ મુશ્કેલીભર્યું બનશે.

GSTનું જે માળખું તૈયાર થયું છે તે ખરેખર નવી આશાઓના મિનારા ઊભા કરનારું છે. દેશના વ્યવસાયિકો, સર્વિસ આપનારાઓ, દેશનું અર્થતંત્ર અને આખી સિસ્ટમમાં એક નવી તાજગી GSTના અમલ બાદ જોવા મળશે. GSTના અમલ બાદ સર્વિસ પરનો ટેકસ વધશે એટલે જુદી જુદી સેવાઓ મોંઘી બનશે. મેન્યુફેકચરિંગ એટલે કે ઉત્પાદન પરનો ટેક્સ ઘટશે. ઉત્પાદન પરનો ટેક્સ ઘટતાં સ્વભાવિક રીતે જ અનેક ચીજો સસ્તી થશે. હાલ જુદા જુદા પ્રકારના અનેક ટેક્સ જેવા કે એક્સાઇઝ ડયૂટી, એડિશનલ કસ્ટમ ટેક્સ, સર્વિસ ટેક્સ, વેલ્યુ એડેડે ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, ઓકટ્રોય, લકઝરી ટેક્સ, મનોરંજન ટેક્સ વગેરે દૂર થશે અને તેની જગ્યાએ એક જ GST લાગુ પડશે. જુદા જુદા પ્રકારના ટેક્સ રદ થતાં વ્યવસાયિકોને જુદા જુદા સરકારી ખાતાંઓ અને તેના ભ્રષ્ટ અધિકારીઓની દાદાગીરી અને જોહુકમીમાંથી મુક્તિ મળશે.

સૌથી મહત્ત્વનો ફાયદો એ હશે કે જુદા જુદા ટેક્સ ભરવા માટે દરેકને કચેરીમાં જવું, લાઇનમાં ઊભા રહેવું, ફોર્મ ભરવા અને ત્યારબાદ અનેક પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવો, આ બધી જ કડાકૂટમાંથી મુક્તિ મળતા કીમતી સમયનો બચાવ થશે. એક જ ટેક્સમાળખું હોઈ સરકાર ટેક્સની પ્રક્રિયાનું સરળીકરણ કરશે અને તેનો ફાયદો આખા દેશને થશે. એક જ ટેકસમાળખું હોઈ બિનજરૂરી ખર્ચાઓ ઘટશે અને કાળાં નાણાંને પકડવાનું સરકાર માટે સહેલું બનશે.

કોઈપણ વ્યવસાય માટે આખા દેશમાં એક જ ટેક્સ ભરીને મુકત રીતે માલની હેરફેર થશે, આ રીતે ખરીદનારને સમયસર ડિલિવરી મળશે અને વેચનારને સમયસર નાણાં મળશે જેથી નાણાંનું રોકાણ ઘટશે અને વ્યાજના મારથી વ્યવસાયીઓ બચી શકશે.

દેશના અર્થતંત્રને ફાયદો
GSTના અમલની પ્રક્રિયા જો સાંગોપાંગ પાર પડી તો દેશના અર્થતંત્રને બહુ મોટો ફાયદો થશે જોકે આ ફાયદો મેળવવા માટે બેથી ત્રણ વર્ષની રાહ જોવી પડશે અને શરત એટલી કે GSTની જે રીતે રૂપરેખા તૈયાર થઈ છે તે જ રીતે તેનો અસરકારક અમલ થાય તો જે અર્થતંત્રને ધારેલો ફાયદો થશે. નાણાપ્રધાનના દાવા પ્રમાણે દેશનો વિકાસદર GSTના અમલ બાદ એકથી બે ટકા વધશે. દેશ આખામાં એક જ પ્રકારનો ટેક્સ હોય એટલે વ્યવસાયની પ્રક્રિયા ઝડપી બનશે. રુકાવટો દૂર થતાં વ્યવસાયનું વિસ્તૃતિકરણ ઝડપી બનશે અને અટપટાં ટેક્સની ગૂંચવણો દૂર થતાં માનસિક સ્વસ્થતા વધશે. એક જ કાયદો હોઇ સર્વેલન્સ મજબૂત બનશે, ટેક્સ ભરવાનું સરળ બનતાં ટેક્સ ભરનારાઓની સંખ્યા વધશે. અત્યાર સુધી જુદા જુદા પ્રકારના ટેક્સમાળખાં હોઇ અનેક વ્યવસાયીઓ છટકબારી શોધી ટેક્સ ભરવામાંથી છટકી જતાં હતા તે હવે શકય ન બનતાં સરકારને ટેક્સની આવક વધશે.

હાલ દેશની કુલ આવકમાં ૬૦ ટકા આવક સર્વિસ સેક્ટરમાંથી આવે છે અને ૧૭ ટકા આવક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી આવે છે. GSTમાં સર્વિસ સેક્ટરને વધુ ટેક્સ ભરવો પડશે આથી સરકારની તિજોરીમાં વધુ નાણાં ઠલવાશે જયારે મેન્યુફેક્ચરિંગ સેકટરને ઓછો ટેક્સ ભરવો પડશે પણ તેની આવકનો હિસ્સો ૧૭ ટકા જ હોઈ સરકારી તિજોરીને બહુ માર નહીં પડે. મેન્યુફેક્ચરિંગ સેકટરમાં ટેક્સ ઘટતાં દેશનો મેન્યુફેક્ચરિંગ સેકટરનો વિકાસ ઝડપી બનશે જેનાથી વધુ ઉદ્યોગો સ્થપાશે, વધુ લોકોને રોજગારી મળશે.

દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થતાં દેશની નિકાસ વધશે અને તેના દ્વારા કીમતી વિદેશી હૂંડિયામણ વધતાં અર્થતંત્રને સમૃદ્ધિ મળશે. સૌથી મોટો ફાયદો એ છે કે GSTના અમલ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની છબિ સુધરશે અને આર્થિક સુધારાનો અમલ થતાં વિદેશી રોકાણ દેશમાં વધશે જેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને થશે. વિદેશી રોકાણ વધતાં રૂપિયા પરનું ભારણ ઘટશે અને રૂપિયો વધુ ગગડતો બચશે.

કોને ફાયદો, કોને નુકસાન
GSTના અમલ બાદ અમુક વર્ગને ફાયદો થશે, જયારે અમુક વર્ગને નુકસાન થશે. GSTમાં કુલ ચાર પ્રકારના કરમાળખાં તૈયાર કરાયાં છે. (૧)પ્રિસિયસ મેટલ એટલે કે સોનાચાંદીના દાગીના, સિક્કા અને બિસ્કિટ વગેરે પર બેથી છ ટકાનો સ્લેબ નક્કી થયો છે. હાલ ઉઘરાવતા ટેક્સ કરતાં નવો ટેકસ ઓછો હોઈ દાગીના, સિક્કા અને બિસ્કિટ સસ્તા બનશે. (૨) જીવનજરૂરી ચીજો, કપડાં, દવાઓ પર ૧૨ ટકા ટેક્સનો સ્લેબ નક્કી કરાયો છે એટલે જીવનજરૂરી ચીજો, કપડાં અને દવાઓ GSTના અમલ બાદ સસ્તી બનશે. (૩) તમાકુ, સિગારેટ અને પાનગુટખા પરનો ટેકસ સ્લેબ ૪૦ ટકાનો કર્યો છે આથી આ તમામ ચીજો અમલ બાદ અત્યંત મોંઘી બનશે (૪) અન્ય તમામ વ્યવસાય, સર્વિસ કે ઉદ્યોગ પર એક જ પ્રકારનો ૧૮થી ૨૦ ટકા ટેક્સ લાગશે. હાલ તમામ સર્વિસ પર ૧૫ ટકા ટેક્સ લાગે છે તે હવે GSTના અમલ બાદ ૧૮ ટકા થશે. આથી હોટેલમાં જમવાનું, મોબાઇલ બિલ, ઇલેક્ટ્રિક બિલ, ટેલિફોન બિલ, પાર્સલ કુરિયર, વિમાન-ટ્રેનની ટિકિટ, ટેક્સીના ભાડા અને લક્ઝરી હોટેલમાં રહેવાનું વગેરે મોઘું બનશે. તેમજ બ્રાન્ડેડ જ્વેલરી અને અન્ય બ્રાન્ડેડ ચીજો કે જેમાં ૧૫ ટકા સર્વિસ ટેકસ લાગતો હતો તે હવે વધીને ૧૮ ટકા થતાં તમામ ચીજો મોંઘી બનશે. નાની કાર પર ઓછો ટેકસ હતો તે વધીને ૧૮થી ૨૦ ટકા થતાં નાની કારો પણ મોંઘી બનશે. જયારે હેવીવેઇટ ટ્રક, વાહનો અને મોટી કારો પર હાલ ૩૦થી ૬૦ ટકા સુધી ટેકસ લાગે છે જે GSTના અમલ બાદ હવે ૧૮થી ૨૦ ટકા જ લાગશે.

આથી આ તમામના ભાવમાં ખાસ્સો એવો ઘટાડો જોવા મળશે. એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગૂડ્ઝ) એટલે કે સાબુ, શેમ્પુ, કોસ્મેટિક, પાવડર વગેરે ચીજો પર અત્યારે એકસાઇઝ અને વેલ્યુ એડેડ ટેક્સ એમ બે પ્રકારના ટેક્સ લાગતાં હતા તે હવે એક જ ટેક્સ લાગતાં આ તમામ ચીજો સસ્તી બનશે. પેટ્રોલ, ડીઝલ અને આલ્કોહોલને GSTમાંથી બાકાત રાખવામાં આવ્યું હોવાથી તે સસ્તું બનશે.હિટર, એર કુલર, પેઇન્ટ્સ, સિમેન્ટ, લાઇટ, મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ, ફર્નિચર, બિસ્કિટ કેક, સેટેલાઇટ ટીવી, બેટરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કમ્પ્યુટર, ટેબ્લેટ, બેટરી વગેરે પર હાલ બહુ જ ટેકસ લાગે છે જે ઘટી જતાં આ તમામ ચીજો સસ્તી બનશે.

મયૂર મહેતા

(લેખક કોમોડિટી વર્લ્ડ, કૃષિ પ્રભાતના તંત્રી છે)

You might also like