જીએસટી બાદ શરૂઆતમાં અજાણતાં થયેલી ભૂલ સંબંધે પેનલ્ટી માફ કરો

અમદાવાદ: જીએસટી લાગુ થયા બાદ શરૂઆતમાં અજાણતા થયેલી ભૂલ પર પેનલ્ટી માફ કરવામાં આવે તેવી દરખાસ્ત ઉદ્યોગ સંગઠન એસોચેમે જીએસટી એમ્પાવર્ડ કમિટીને કરી છે. નોંધનીય છે કે રાજ્યોના નાણાપ્રધાનની જીએસટી એમ્પાવર્ડ કમિટીની ઉદ્યોગ સંગઠનો સાથે એક બેઠક આગામી ૩૦ ઓગસ્ટે થવા જઇ રહી છે તે પૂર્વે કરવામાં આવેલી આ દરખાસ્ત મહત્ત્વની માનવામાં આવી રહી છે.
આગામી ૩૦ ઓગસ્ટે કમિટીના અધ્યક્ષ પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રા દેશના ઉદ્યોગ સંગઠનો સાથે ચર્ચા કરશે એટલું જ નહીં તેઓના પ્રશ્નો સમજવાનો પ્રયાસ કરશે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે જીએસટી લાગુ કરવા પૂરેપૂરી તૈયારીઓ માટે કારોબારીઓને જરૂર પૂરતો સમય મળવો જોઇએ. એસોચેમે વધુમાં જણાવ્યું છે કે જીએસટી અપનાવવાના કારણે અન્ય જરૂરી દસ્તાવેજોની જરૂરિયાત ઊભી થશે એટલું જ નહીં એકાઉન્ટિંગ અને કમ્પ્યૂટર સિસ્ટમમાં પણ ધરમૂળથી ફેરફાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે સરકાર જીએસટી એપ્રિલ ૨૦૧૭થી લાગુ કરવા ઇચ્છી રહી છે.

મોડલ એક્ટમાં ભારે પેનલ્ટીની જોગવાઈ
જીએસટીના હાલના મોડલ એક્ટમાં ભારે પેનલ્ટીની જોગવાઇ લાદવામાં આવી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટર્સનો આ જોગવાઇ સામે વિરોધ છે. જેમાં ટ્રાન્સપોર્ટર્સનું વાહન પણ જપ્ત કરવા સુધીની સત્તા મોડલ એક્ટમાં આપવામાં આવી છે. એટલું જ નહીં ઊંચી પેનલ્ટી લાદવાની જોગવાઈ પણ આ એક્ટમાં કરવામાં આવી છે.

You might also like