ભારે વિરોધ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં પણ આખરે GST બિલ પાસ

જમ્મુ : જમ્મુ કાશ્મીર વિધાનસભામાં માલ અને સેવા કર (જીએસટી) પ્રસ્તાવને મંજૂરી મળી ચુકી છે. જીએસટી વ્યવસ્થાને એક જુલાઇથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર એક માત્ર એવું રાજ્ય હતું જેમાં હજી સુધી જીએસટી લાગુ કરવામાં આવ્યું નહોતું. જો કે હવે આ વિધેયક પાસ થઇ જવાનાં કારણે જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારત સરકારનો આ નવો કાયદો લાગુ પડી જશે.

જમ્મુ કાશ્મીરમાં જીએસટી બિલા લાગુ કરવાનાં મુદ્દે બોલાવાયેલા રાજ્ય વિધાનસભાનાં ખાસ સત્ર દરમિયાન સદનમાં ભારે હોબાળો થયો હતો. ધારાસભ્યો અને હાજર સંત્રીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. આ કારણે સદનને વારંવાર સ્થગિત કરવા માટેની ફરજ પડી હતી. જનસંઘનાં સંસ્થાપક ડ. શ્યામપ્રસાદ મુખર્જી વિરુદ્ધ પણ અભદ્ર ટીપ્પણીઓ કરવામાં આવી હતી. જેનાં કારણે ભડકેલા ભાજપનાં ધારાસભ્યો સ્પીકર કવિન્દ્ર ગુપ્તા સમક્ષ માંગ કરીને ટીપ્પણી કરનાર અપક્ષ ઉમેદવારને સદનની બહાર ખદેડી દેવામાં આવે. જેનાં પગલે અપક્ષ ધારાસભ્ય એન્જિનિયર રશીદ અબ્દુલને સદનની બહાર ખદેડી દેવામાં આવ્યો હતો.

સદનમાં ત્યાર બાદ સહીબ અહેમદ દાબ્રુએ વિધાનસભામાં જીએસટી બીલ રજુ કર્યું હતું. સવારે સદન ચાલુ થતા જ હાથ પર કાળી પટ્ટીઓ બાંધીને આવેલા નેશનલ કોન્ફરન્સનાં ધારાસભ્યો પોતાની સીટ પર ઉભા થઇ ગયા હતા. નેકાં ના બે ધારાસભ્યોએ તો કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.

કોંગ્રેસનાં ધારાસભ્યોની સાથે સાથે અપક્ષનાં ધારાસભ્યોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે નારા લગાવ્યા કે તેઓ જીએસટી સદનમાં પાસ થવા નહી દે. જો કે ભાજપનાં નેતા રવિન્દ્ર રૈનાએ જણાવ્યું કે જીએસટી એક ખુબ જ આદર્શ વ્યવસ્થા છે. જમ્મુ કાશ્મીર જેવા રાજ્યો માટે આ ફાયદાકારક છે. મને આશા છે કે વિપક્ષ પણ આને પાસ થવામાં અમારી મદદ કરશે.

You might also like