જીએસટી ખરડોઃ મોદીની નાવ પાર પાડશે મનમોહન?

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકાર હવે સંસદમાં ગુડૂઝ અને સર્વિસિસ ટેકસ (જીએસટી) ની સફળતા માટે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની સમજદારી પર મદાર રાખીને બેઠી છે. શુક્રવારે સાંજે સોનિયા ગાંધી અને મનમોહન સાથેની ચર્ચાથી માહિતગાર સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડાપ્રધાને વાટાઘાટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સરકારની ચિંતાને સમજવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ સરકારની વાત પર પૂરતું ધ્યાન આપ્યું હતું.

ઉપરાંત, નાણાપ્રધાન જેટલીએ કોંગ્રેસની માંગણીઓ સામે કરેલી દલીલોને ખુલ્લા મને સાંભળી હતી. મોદીએ તેમના નિવાસસ્થાન ૭, આરસીઆર ખાતેની બેઠકમાં મનમોહન સિંઘને શુક્રવારે એવું કહ્યું હોવાનું મનાય છે કે, ”તમે વરિષ્ઠ છો. વિચારણાની તાતી જરૂરિયાતવાળા મુદ્દા અંગે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો.” સરકારના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ”કોંગ્રેસે જે ત્રણ વાંધા ઉઠાવ્યા છે તેમાં થોડી ખામી છે. બેઠકમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા થઇ હતી.

મનોમહનને દલીલો યોગ્ય લાગી હોવાનું જણાતું હતું. સોનિયાએ પણ વાતચીત સાંભળી હતી. અને અમુક બાબતો અંગે આશ્ચર્ર્ય વ્યકત કર્યું હતું. તેના લીધે જ સોનિયાએ પક્ષમાં જીએસટીની ફરી ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી.” બેઠકમાં જેટલી અને સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, મોદીના આગ્રહ પછી મનમોહન સિંઘે આ મહત્વની બેઠકનું આયોજન કર્યું હોવાના સમાચાર ઇટીએ સૌથી પહેલાં પ્રકાશિત કર્યા હતા.

સરકારને આશા છે કે, અર્થશાસ્ત્રી મનમોહન જીએસટી મુદ્દે કોંગ્રેસનું વલણ બદલવામાં મદદ કરી શકે છે. સોનિયા ગાંધીના અભિગમથી પણ સરકારની આશા વધી છે. ટોચના અન્ય એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જીએસટીની મંજૂરીનો સ્પષ્ટ રાજકીય ઇરાદો દર્શાવે તો સરકાર તેની ત્રણ ચિંતાઓ પર વિચાર કરવા તૈયાર હતી.

You might also like