જીએસટીના અમલ બાદ બિલિંગ પદ્ધતિમાં ધરખમ ફેરફાર થશે

અમદાવાદ: ગુજરાતે ગઇ કાલે જીએસટી બિલને સર્વસંમતિથી પસાર કર્યું છે. આગામી દિવસોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દેશભરમાં અમલી બનવા જઇ રહ્યો છે ત્યારે વેપારીઓને બિલ બનાવવાની સિસ્ટમમાં ભારે તબદિલી કરવી પડી શકે છે. નોંધાયેલા કરપાત્ર વેપારીએ કરપાત્ર માલ કે કરપાત્ર સેવા સપ્લાય કરવા માટે ટેક્સ ઇન્વોઇસ આપવાનું રહેશે. બિલમાં માલનું વર્ણન, માલનો જથ્થો, માલની કિંમત, લગાવેલ વેરાની અને નિયમોથી નિર્ધારિત કરવામાં આવે તે માહિતી સામેલ કરવાની રહેશે.

જે વ્યક્તિ જ્યારે વ્યવહાર થાય ત્યારે નોંધાયેલ ન હોય તેઓએ સાદુ બિલ આપવાનું રહેશે. જે તારીખથી નોંધણી અમલી નંબર આપવામાં આવે તે તારીખથી જે તારીખે નોંધણી નંબર આપવામાં આવે તે સમય માટે રિવાઇઝ બિલ આપી શકાશે.

વેપારીએ માફી માલ કે સેવાઓ આપનાર કે ઉચ્ચક વેરાનો વિકલ્પ સ્વીકારનાર વ્યક્તિએ બિલ ઓફ સપ્લાય આપવાનું રહેશે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલના જીએસટી મોડલ લૉ પ્રમાણે આ પ્રકારના બિલો બનાવવાની સમજ આપવામાં આવી છે, જોકે તેમાં ફેરફાર થવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ રહી છે.

વેપારી પાસે જે માલ કે સેવા પર ચૂકવેલા વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ માગવામાં આવતી હોય તેનું બિલ હોવું ખૂબ જ જરૂરી છે. વેપારીને ખરેખર માલ કે સેવાઓ મળેલી હોવી જોઇએ. જે વેપારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ માગતા હોય તેઓએ પત્રકો પણ ભરેલાં હોવા જોઇએ. જેઓએ પત્રકો ભરેલાં નહી હોય તેઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીએસટી અમલ થયા બાદ બિલિંગ પદ્ધતિમાં મોટા ફેરફાર થશે.

You might also like