જીઅેસટીનો ખરા અર્થમાં અમલ થશે તો અર્થતંત્રમાં ક્રાંતિ આવશે

તાજેતરમાં રાજ્યસભા અને લોકસભામાં જીએસટી બિલ પસાર થઈ જતાં છેલ્લા કેટલાય સમયથી આ બિલ મુદ્દે ચાલતી અનેક અટકળોનો અંત આવી ગયો છે ત્યારે હવે આ બિલ પાસ થઈ જતાં આગામી દિવસોમાં તેની ગણતરી બાદ તેનો લોકોને કેટલો લાભ થશે? તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ અેવું ચોક્કસ કહી શકાય કે આ બિલ પસાર થતાં અનેક ક્ષેત્રે તેના લાભ મળતા થઈ જશે અને આ બિલ પસાર થઈ જતાં સુધારાની દિશામાં સરકારે મહત્ત્વનું અને મોટું પગલું ભર્યું છે તેમ માનવામાં આવે છે.

આ બિલથી જનતાના હિતમાં અને વિકાસની દિશામાં માર્ગ મોકળા થશે તેવી આશા લોકો રાખી રહ્યા છે. અપેક્ષા મુજબ આ બિલ રાજ્યસભામાં પસાર થઈ જતાં હવે દેશની કરપ્રણાલીને લગતી તમામ સમસ્યા ઉકેલાઈ જશે. આ બિલથી કરમાળખામાં મોટો સુધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અગાઉ નાણાપ્રધાન જેટલીઅે જણાવ્યું હતું કે જીએસટીથી દેશનો આર્થિક વિકાસ થશે.

આમ તો આ બિલને જૂન-૨૦૧૬ સુધીમાં કાયદાકીય સ્વરૂપ આપવાનું હતું, પરંતુ રાજકીય અહમ્ના ટકરાવમાં આવું બિલ સમયસર પસાર થઈ નહિ શકતાં લગભગ બે માસ આ બિલ પેન્ડિંગ રહ્યું હતું અને હવે આ બિલ પસાર થઈ જતાં તેને ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે કાયદેસરતા આપીને અમલમાં મુકાશે. આ મામલે રાજ્યસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે લાંબી ગડમથલ ચાલ્યા બાદ અંતે બિલ પસાર થઈ જતાં અનેક પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ બિલ પાસ થઈ જતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવતા વિવિધ કરનું સ્થાન જીઅેસટી લેશે અને તેથી જ આ બિલને અપ્રત્યક્ષ કરમાં સુધારાની દિશામાં મહત્ત્વનું માનવામાં આવે છે.

અેક માહિતી મુજબ અત્યાર સુધી ભારતમાં ઉત્પાદિત થતી કોઈ પણ ચીજવસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના ટેક્સ લગાવવામાં આવતા હતા, જેમ કે સેલ્સ ટેક્સ, એક્સાઈઝ, વેટ વગેરે. તેને અપ્રત્યક્ષ કર પણ કહેવામાં આવે છે, જ્યાં માલનું ઉત્પાદન થાય છે ત્યાં પણ ટેક્સ અને બાદમાં વેચાણ માટે માલ જાય તેના પર પણ ટેક્સ લેવામાં આવતો હતો. આમાં વેપારીઓને અનેક પ્રકારની ઝંઝટમાં પડવું પડતું હતું તેમાંથી હવે છુટકારો મળી જશે.

એક ઉદાહરણ તરીકે જોઈઅે તો ગાઝિયાબાદમાં મશીન અને મશીનરી પાર્ટ્સ પર રાજ્ય સરકાર ૧૪.૫ ટકા ટેક્સ લગાવતી હતી. જ્યારે આવી જ ચીજ પર આસપાસનાં કેટલાંક રાજ્યમાં પાંચથી સાત ટકા જ ટેક્સ લેવામાં આવતો હતો. તેથી હવે આવી વિસંગતતાથી ગાઝિયાબાદના વેપારીઓને ધંધામાં નુકસાન થતું હતું અને તેમના ધંધા પર પણ અસર થતી હતી તેમાંથી રાહત મળશે.

હવે આ બિલ પસાર થયા બાદ તમામ રાજ્યમાં અેકસમાન ટેક્સ લેવામાં આવશે તો આવા ધંધામાં ચોક્કસપણે તેજી આવી શકશે. જીઅેસટી લાગુ થતાં કોઈ પણ વસ્તુ માટે અેક જ વાર ટેક્સ લાગુ પડશે. અગાઉ જ્યારે વેટ અને સર્વિસ ટેક્સ અમલમાં આવ્યો હતો ત્યારે પણ લોકોને અનેક સ્વપ્ન દેખાડવામાં આવ્યાં હતાં, પરંતુ તમામને સાથે રાખી અેક જ કર લેવાય તેમ જીએસટીનો અમલ કરાવવાની વાત ચાલતી હતી અને તે બિલ પાસ થઈ જતાં આવા કરમાળખાથી ટેક્સની આવક પણ વધશે અને દેશના જીડીપીમાં પણ દોઢથી બે ટકાનો વધારો થઈ શકે તેમ છે.

અત્યાર સુધી ધંધામાં આવક થતી હતી તેનો ચોક્કસ રેકોર્ડ રાખવામાં આવતો નહિ હોવાથી જીડીપીનો સાચો અંદાજ કાઢી શકાતો ન હતો તે હવે આગામી દિવસમાં કાઢી શકાશે. જીએસટી સાથે સંકળાયેલા જાણકારો કહે છે કે જે કોઈ સેવા આપે છે તે વેપારી અથવા ઉદ્યોગપતિ છે. જો તેમનું વાર્ષિક ટર્નઓવર દસ લાખથી વધુ હોય તો તેમને રિટર્ન ફાઈલ કરવી પડે છે, પરંતુ કેટલાક લોકો રિટર્ન ફાઈલ નહિ કરતા હોવાથી સરકાર પાસે વધુ ને વધુ અવાસ્તવિક આંકડા રજૂ થતા હોય છે, પરંતુ જીએસટી બિલ પસાર થયું છે ત્યારે તેમાં ચોક્કસ દર અને એક પ્રકારની કર પ્રણાલી છે.

તેથી તેના લાભ ચોક્કસ મળશે. સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઈન્ટર જીઅેસટીને નાણાપ્રધાને આર્થિક અેકીકરણ ગણાવ્યું છે તો પછી આ ત્રણ પ્રકારના જીએસટીના કારણે હવે વેપારીઓનું અેસેસમેન્ટ પણ ત્રણ જગ્યાએ જોવામાં આવશે અને અેક જ રિટર્ન ફાઈલ કરવું પડશે, પરંતુ તેની તપાસ ઓછામાં ઓછા બે-ત્રણ અધિકારી કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે ચર્ચા કરશે.

જીઅેસટીના અમલ બાદ તેની સામે અનેક પડકારોનો સામનો કરવાનો રહેશે ત્યારે જનતાને તેનો સીધો લાભ મળે અને જીઅેસટીની અગત્યતા શું છે? તેની પ્રતી‌િત કરાવવા સરકાર તરફથી કેવાં પગલાં લેવામાં આવે છે? તે આવનારો સમય બતાવશે.

You might also like