જીએસટીમાં વિલંબથી બજેટ ઉપર અસર થશે

મુંબઇ: કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે આવકની વહેંચણીને લઇને ઊભા થયેલા વિવાદના કારણે એપ્રિલ-૨૦૧૭થી જીએસટી લાગુ નહીં થાય તો તેની સીધી નકારાત્મક અસર વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટ ઉપર પડશે. જાણકારોના જણાવ્યા પ્રમાણે વિલંબના કારણે નાણાકીય વર્ષના શરૂઆતના મહિનામાં એક્સાઇઝ અને સર્વિસ ટેક્સની આવકને બજેટની ગણતરીમાં લેવી પડશે, જ્યારે નાણાકીય વર્ષના પાછલા મહિનાની કરની ગણના નવી ટેક્સ વ્યવસ્થા મુજબ કરવી પડી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ જીએસટીના થોડા દિવસમાં વિલંબથી ઉદ્યોગ જગતમાં ખુશી જોવાઇ શકે છે, પરંતુ ત્રણ મહિનાથી વધુનો વિલંબ ચિંતા વધારનારો સાબિત થઇ શકે છે.

એપ્રિલ-૨૦૧૭ને આડે હવે માંડ ચાર મહિના બચ્યા છે. હજુ સુધી જીએસટી કાયદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. બીજી અને ત્રીજી ડિસેમ્બરની બે દિવસીય બેઠકમાં કેટલાક મુદ્દે હજુ પણ સંમતિ સધાઇ શકી નથી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૧૧ અને ૧૨ ડિસેમ્બરના રોજ મળનાર છે.

કેન્દ્ર સરકારની દલીલ છે કે રાજ્યોની માગ માનવામાં આવે તો ૯૩ ટકા કરદાતાઓ પર રાજ્યોનું નિયંત્રણ રહેશે એટલું જ નહીં જ્યારે ૯૩ ટકા કરદાતાઓ પર રાજ્યોનો અંકુશ હોય તો કેન્દ્ર સરકારના અધિકારી શું કરશે? સરકાર એવું પણ જણાવી રહી છે કે જીએસટી ૧ એપ્રિલથી લાગુ ના થાય તો ૧૬ સપ્ટેમ્બર સુધીમાં બંધારણીય રીતે લાગુ કરવાની જોગવાઇ છે. આગામી દિવસોમાં સંસદનું શિયાળું સત્ર પૂરું થઇ જશે. આવા સંજોગોમાં જીએસટી સરકારે નક્કી કરેલી સમય સીમામાં લાગુ કરવું વધુ મુશ્કેલરૂપ થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like