ઓટો ડીલરને GSTથી રૂ. ૧૦૦૦ કરોડનું નુકસાન જઈ શકે

મુંબઇ: જીએસટીના કારણે ઓટોમોબાઇલ ડીલરને રૂ. ૧૦૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડી શકે છે. ઓટો સેક્ટરના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ડીલર શો-રૂમ અને સ્ટોકમાં કાર, દ્વિચક્રી વાહનો અને કોમર્શિયલ વાહનોનો સારો એવો સ્ટોક રાખે છે. ૩૦ જૂન સુધી ડીલર શો-રૂમ અને સ્ટોકમાં જે વાહનો હોય અને જેના ઉપર એક્સાઇઝ ડ્યૂટી ચૂકવાઇ ગઇ હોય તેના ઉપર માત્ર ૪૦ ટકા જેટલો સેન્ટ્રલ જીએસટી ક્રેડિટના સ્વરૂપે પાછાે મળશે, જેથી ઓટોમોબાઇલ ડીલરને નુકસાન ઉઠાવવું પડશે.

ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે ઓટો ડીલર હાથ પર એકથી બે મહિના ચાલે તેટલો સ્ટોક રાખે છે. ઓટો મેન્યુફેક્ચરર્સ એસોસીએશન-સિયામનું કહેવું છે કે આ સ્ટોક એક અંદાજ પ્રમાણે રૂ. ૪૮,૦૦૦ કરોડ રૂપિયા થવા જાય છે, જેમાં કાર, દ્વિચક્રી વાહનો તથા લાઇટ અને હેવી કોમર્શિયલ વાહનોનો પણ સમાવેશ થાય છે.
૧ જુલાઇથી જીએસટીના અમલ બાદ જીએસટીના માળખા મુજબ ઓટો ડીલરે બિલ બનાવવું પડશે, જેમાં કાર ઉપર ૨૮ ટકા જીએસટી લાગશે અને અલગ અલગ કેટેગરી મુજબ ૧૫ ટકા સુધી સેસ લાગશે. જીએસટીમાં એક્સાઇઝ, વેટ અને અન્ય કેટલાક ટેક્સ ભળી જશે.

ઓટો મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે સરકારે ચૂકવાયેલા ટેક્સની ૫૦ ટકા રકમ ક્રેડિટ સ્વરૂપે પાછી આપવી જોઇએ, પરંતુ માત્ર ૪૦ ટકા જેટલી રકમ જ પાછી મળશે, જેથી ડીલરને મોટું નુકસાન જવાનો ભય છે.
http://sambhaavnews.com/

You might also like