જીએસપીસીએ ૨૦ હજાર કરોડથી વધુ ખર્ચ્યા પછી ટીપુંય ન મળ્યું

ગાંધીનગર: વિધાનસભાગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાના બીજા દિવસની ચર્ચાની શરૂઆત વિપક્ષના સભ્ય શક્તિસિંહ ગોહિલે કરી હતી. તેમણે અનેક મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે જીએસપીસીમાં ર૦ હજાર કરોડથી વધુ રકમના રોકાણ પછી આઉટપુટમાં ટીપુંય ન મળ્યું. વિદેશમાં ૧,૭૩૪ કરોડ રોક્યા અને માંડવાળ કરવા પડ્યા. અંદાજ કરતાં ૭૬ ટકા વધુ ખર્ચ અને નીકળ્યું ઠનઠન ગોપાલ!

તેમણે કહ્યું હતું કે સરકારી શાળામાં ગુણોત્સવ માટે અધિકારીઓએ જવાની જરૂર નથી. વિધાનસભાગૃહમાં બેઠેલા તમામમાંથી કોઇના પણ દીકરા કે દીકરી સરકારી શાળામાં ભણશે ત્યારે માની લેવું કે સરકારી શાળાનું શિક્ષણ બરાબર છે. આરોગ્યના મુદ્દે વાતો કરો છો પણ ડૉક્ટરો પૂરતા પ્રમાણમાં હોસ્પિટલોમાં નથી. આદિવાસી વિસ્તારોમાં એક પથારીમાં બે દર્દીઓ સારવાર લે તેવી પરિસ્થિતિ આજે પણ છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે નલિયાકાંડમાં જે દીકરી પર બળાત્કાર થયો તે બળાત્કારીઓને તંત્ર કડક સજા કરવા માગતું હોય તો કેસ બરાબર રજૂ કરો. આરોપીઓના નાર્કોટેસ્ટ કેમ નહીં? શેની બીક લાગે છે? કોર્ટમાં સરકાર બરાબર રજૂઆત કરે, જેથી કેસની તપાસ બરાબર થાય.

આઉટસોર્સિંગથી થતી ભરતીમાં એજન્સીઓ કર્મચારીનું કેટલંું શોષણ કરે છે. તેમનાં પીએફ એકાઉન્ટ ખૂલ્યાં નથી. હિંમતથી નિર્ણય કરો. તેડાગર બહેનો-આંગણવાડી બહેનોને સરકારી નોકર તરીકે સ્વીકૃતિ આપો. તેનાં લગ્ન થાય તો ટ્રાન્સફર આપો.

ગુજરાત સિવાય તમામ રાજ્યએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોમગાર્ડ્ઝ જવાનોને વેતન વધારી આપ્યું છે, જ્યારે ગુજરાતમાં આજે પણ તેમનો પગાર ર૦૪ રૂપિયા છે. શિક્ષકોની ભરતીમાં થતી જાહેરાત મુજબ ભરતી થતી નથી, જેઓ ચાલુ નોકરીમાં છે તેઓ રાજીનામું આપીને બદલી ન થતી હોઇ પસંદગીની જગ્યા માટે ફરી અરજી કરે છે, જેથી ભરતીની સંખ્યા જાહેરાત મુજબ થતી જ નથી.

આતંકવાદને નાથો, અભિમાન ન કરો, હાર-જીત તો પ્રજા નક્કી કરે છે. આત્મારામભાઇ, નીતિન પટેલ કે જીતુ વાઘાણી જ્યારે હાર્યા હતા ત્યારે અમે સહેજ પણ અભિમાન નહોતું કર્યું.  ત્રણ-ત્રણ વર્ષ થયાં, પણ હજુ સુધી નર્મદા બંધના દરવાજા બંધ કરી શક્યા નથી. નર્મદા જીવાદોરી છે, પણ કેનાલની પરિસ્થિતિ હજુ પણ ખરાબ છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ જણાવ્યું કે નર્મદાનાં પાણી માટે ૬૪ કરોડનો ખર્ચ પાઇપલાઇન પાછળ કર્યો, પણ આદિવાસી તાલુકાઓમાં હજુ પાણી પહોંચ્યું નથી.
http://sambhaavnews.com/

You might also like