ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનું ફોર્મેટ જાહેર

અમદાવાદ: ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી માર્ચ ૨૦૧૮માં લેવાનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાના પ્રશ્નપત્રનાં પરિરૂપ (ફોર્મેટ) જાહેર કર્યાં છે. થોડા ફેરફાર સાથે જાહેર કરાયેલા આ પરિરૂપમાં નોલેજ-સમજ અને કૌશલ્યનો આધાર લઈ પરીક્ષા લેવાશે. દરમિયાનમાં ૮ જુલાઈએ ધોરણ-૧૦માં બે અને ધોરણ- ૧૨માં ૧ વિષયમાં નાપાસ ૪ લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.

આગામી પરિરૂપ પ્રમાણે અતિ ટૂંકા-લાંબા અને ટૂંકા તેમજ નિબંધ જેવા પ્રશ્નોને અલગ રીતે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ૧૦૦ માર્ક્સના પેપરમાં વિદ્યાર્થીની પૂરેપૂરી કસોટી થાય તે પ્રમાણે પરિરૂપમાં ઝીણવટભરી સૂચનાઓ આપવામાં આવી છે.

ધોરણ-૧૦ના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન વિષયોનાં ગ્રૂપ-એ અને ગ્રૂપ-બી એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. ગ્રૂપ-એમાં ૫૦ ગુણ અને તેના માટેનો સમય ૬૦ મિનિટનો ફાળવવામાં આવ્યો છે. ગ્રૂપ-બીમાં ત્રણ પેટા ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં ટૂંકા પ્રશ્નો-મોટા પ્રશ્નો અને નિબંધ જેવા લાંબા સવાલો રહેશે. તેના માટે વિદ્યાર્થીઓને ૩૦ મિનિટનો સમય આપવામાં આવશે.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પણ માર્ક્સનું વિભાજન કરાયું છે તે મુજબ જ્ઞાનના ૨૮ માર્ક્સ, સમજના ૩૬ માર્ક્સ, ઉપયોજનના ૧૭ માર્ક્સ અને કૌશલ્યના ૧૯ માર્ક્સ મળીને કુલ ૧૦૦ માર્ક્સ રહેશે. દરેક સવાલમાં આ ચાર બાબતો સમાવાશે. પાઠ્યપુસ્તકોના કેટલા પ્રકરણના કેટલા પિરિયડ રહેશે તે પણ પરિરૂપમાં જાહેર કરાતાં વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષાની તૈયારી નવા પરિરૂપ પ્રમાણે કરવાની રહેશે.
http://sambhaavnews.com/

You might also like