ગણિતની પરીક્ષા માટે ‘બી’ ગ્રૂપના માત્ર ૨૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા!

અમદાવાદ: વિજ્ઞાનપ્રવાહનો બી ગ્રૂપનાે વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છે તો માત્ર એક વિષય ગણિતની પરીક્ષા આપીને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે, પરંતુ સરકારના આ નિર્ણયમાં બી ગ્રૂપના વિદ્યાર્થીઓએ બિલકુલ રસ દર્શાવ્યો નથી. બી ગ્રૂપમાં પાસ થયેલા ૪૯ હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨૦૦ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંમાં કારકિર્દી બનાવવા માટે રસ દર્શાવ્યો છે. બી ગ્રૂપમાં ઓછા માર્ક્સ આવ્યા હોય તો પણ માત્ર ૨૦૦ વિદ્યાર્થીઓએ આ માસના અંતમાં યોજાનારી એકમાત્ર ગણિત વિષયની પરીક્ષા આપવા માટે અરજી કરી છે.

આ વિકલ્પના નબળા પ્રતિસાદનું એકમાત્ર કારણ ગણિત વિષયની તૈયારી કરવા માટેનો અપૂરતો સમય છે. જે વિદ્યાર્થીઓએ ધો.૧૦ પછી ગણિત વિષય છોડી દીધો છે તે વિદ્યાર્થી ૨ વર્ષના વિષયના અભ્યાસક્રમની તૈયારી માત્ર ૩ માસના ટૂંકાગાળામાં કરી શકે નહીં. હાલમાં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં વિભાગ પાડવામાં આવ્યા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ‘એ’ ગ્રૂપ, મેડિકલ-પેરામેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ‘બી’ ગ્રૂપ અને બંનેમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ‘એબી’ ગ્રૂપ અમલી છે.

જે વિદ્યાર્થીને બી ગ્રૂપમાં ઓછા માર્ક્સ મળ્યા હોય તેના માટે બીએસસી સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી અને જો તેને બીએસસી નહીં ભણીને અેન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકાય તે માટે માત્ર ગણિતની પરીક્ષા આપીને વિદ્યાર્થી સ્ટ્રીમ બદલી શકે તેવો નિર્ણય ગુજરાત માધ્યમિક બોર્ડે જાહેર કરેલો છે. આ અન્વયે આ માસના અંત સુધીમાં ગણિત વિષયની પરીક્ષા યોજાશે તે માટેની અરજીઓ લેવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, પરંતુ માત્ર ૨૦૦ વિદ્યાર્થીઓએ જ તેમાં રસ દાખવ્યો છે.

ધોરણ-૧૧ અને ૧૨ના અભ્યાસક્રમના આધારે ગણિતની પરીક્ષા લેવાનારી હોઈ કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે તે પણ એક પ્રશ્ન છે. આ માટે ૨૭ ઓગસ્ટે ધોરણ-૧૧ સાયન્સની ગણિતની પરીક્ષા અને ૨૮ ઓગસ્ટે ધો.૧૨ સાયન્સની ૧૦૦-૧૦૦ માર્ક્સની પરીક્ષા લેવાશે. બંનેમાં ૫૦ માર્ક્સ ઓએમઆર પદ્ધતિ અને ૫૦ માર્ક્સના વર્ણનાત્મક પ્રશ્નો હશે. કુલ ૨૦૦ માર્ક્સની આ પરીક્ષામાં વિદ્યાર્થીએ પાસ થવા માટે ૬૬ ગુણ મેળવવા પડશે.

આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે વિદ્યાર્થીને ઓછો સમય મળવાથી નબળો પ્રતિસાદ મળી શકે. જ્યારે આવતા વર્ષે તે વિદ્યાર્થીને પરીક્ષા પછી તુરત જ અંદાજ આવી જશે કે ઓછા ટકા આવશે એટલે જો તે વિભાગ બદલવા માગતો હશે તો તુરંત જ ગણિત વિષયની તૈયારી શરૂ કરી દેશે, તેથી સમયસર તૈયારી પૂરી કરી શકશે.

You might also like