મહેસાણા જિલ્લાના ઉનાવા ગામે મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણ

અમદાવાદ: મહેસાણા જિલ્લાના ઉનાવામાં છેલ્લા એક મહિનાથી મુસ્લિમ જૂથો વચ્ચે ચાલી રહેલા વિવાદે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉનાવાના સૈયદવાડામાં થયેલા પથ્થરમારા બાદ ખાનગી ગોળીબારની ઘટનાથી ફફડાટની લાગણી જન્મી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે અાવેલ સૈયદવાડામાં બે મુસ્લિમ જૂથો વચ્ચે જોરદાર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અા પથ્થરમારાની ઘટના દરમિયાન જ ઉનાવા દરગાહના સંચાલક ખાલિદમિયાંના ફકીર મહોલ્લામાં અાવેલ મકાન નજીક કોઈ અજાણ્યા શખસોએ ખાનગી ગોળીબાર કરતાં લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી, જોકે ગોળીબારમાં કોઈ જાનહા‌િન કે કોઈને ઈજા થવા પામી ન હતી.

સૈયદવાડામાં પથ્થરમારાે અને ખાનગી ગોળીબાર થતાં લોકોએ પોતપોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાબડતોબ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે અાવી પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ઉનાવા ગામમાં શાંતિ જળવાઈ રહે તેમજ કોઈ પણ જાતની અઘટિત ઘટના ન ઘટે તે હેતુસર સમગ્ર ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like