કઠવાડાની જૂથ અથડામણમાં ૧૬ લોકોની ધરપકડ કરાઈ

અમદાવાદ :  શહેરના છેવાડે આવેલા કઠવાડા ગામમાં ગઇ કાલે બપોરે સોડાનો ગ્લાસ ફૂટવા બાબતે રબારી અને મુસ્લિમ કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી. આ મામલે નિકોલ પોલીસે બંને કોમનાં માણસો મળી કુલ ૧૦૦ લોકોનાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ૧૬ જેટલા લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ અમિત ઇશ્વર રબારી, સંજય ગફુર રબારી અને ગોપાલ વીરમભાઇ રબારી કઠવાડા ખાતે લતીફખાન પઠાણની નઇમ સોડા નામની દુકાન પર સોડા પીવા ગયા હતા. ત્યારે સોડા પીતાં ગ્લાસ તૂટી ગયો હતો. જેથી ઇકબાલ ઉર્ફે ભૂરિયા મલેક અને લતીફખાને મળી ગ્લાસ કેમ તોડ્યો કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી રબારી અને મુસ્લિમ કોમના માણસોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને સામ સામે બોલાચાલી કરી પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત એએમટીએસ બસ ઉપર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ નિકોલ પોલીસને થતાં ક્રાઇમ બ્રાંચ, નિકોલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે બંને કોમનાં મળી કુલ ૧૦૦ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી ૧૬ લોકોની ધરપકડ કરી છે.

You might also like