પાંચ મહિનામાં સિંગતેલના ભાવમાં રૂ. ૪૦૦નો ભડકો

અમદાવાદ: વરસાદ આવવાના એંધાણ વરતાઇ રહ્યાં છે. કપાસના વૈશ્વિક બજારમાં ભાવ ઘટતા ખેડૂતોને પડતર ભાવ કરતાં પણ કપાસના નીચા ભાવ મળ્યા છે. આથી આ વખતે મગફળી સહિત વિવિધ કઠોળનું વાવેતર વધે તેવી શક્યતા પાછળ મગફળીની શોર્ટેજ તથા સ્ટોકિસ્ટોની સટ્ટાકીય એકધારી લેવાલીના પગલે પાછલા પાંચ જ મહિનામાં સિંગતેલના ભાવમાં ડબે રૂ. ૪૦૦નો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. નોંધનીય છે કે ડિસેમ્બરના અંતમાં સિંગતેલનો ભાવ રૂ. ૧૭૦૦ હતો, જે હાલ વધીને રૂ. ૨૧૦૦ની સપાટી ક્રોસ કરી ગયો છે.

કપાસિયા તેલના ભાવમાં પણ પાંચ મહિનામાં રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાયો છે અને રૂ. ૧૩૦૦ની સપાટી વટાવવાની તૈયારીમાં છે. સ્થાનિક કાલુપુર તેલીબિયા બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ રિટેલમાં માગ ન હોવા છતાં પણ સંઘરાખોરો દ્વારા એકધારી સટ્ટાકીય માગ નીકળતા ભાવમાં વધારો જોવા મળે છે. આગામી શ્રાવણ મહિનાના તહેવારો પૂર્વે તેજીની આ ચાલ આગળ ધપવાની સંભાવના પણ તેઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

You might also like