સિંગતેલમાં હોળીઃ એક સપ્તાહમાં ડબે રૂ. ૬૦થી ૮૦નો ઉછાળો

અમદાવાદ: પાછલાં બે સપ્તાહથી સિંગતેલના બજારમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમાં પણ એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબે રૂ. ૬૦થી ૮૦નો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પામ તેલના વધતા ભાવ પાછળ સ્થાનિક બજારમાં રૂપિયાની નરમાઇએ ખરીદ પડતર નીચી આવતાં સિંગતેલના ભાવમાં ડબે રૂ. ૬૦થી ૮૦નો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવ વધીને ડબે રૂ. ૧,૭૫૦ની સપાટી ક્રોસ કરીને રૂ. ૧,૭૬૦થી ૧,૭૭૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક ઓઇલ કંપનીઓની પિલાણની નબળી સ્થિતિ તથા પિલાણ માટેની મગફળીના વધતા જતા ભાવની વચ્ચે સ્ટોકિસ્ટોની એકધારી ખરીદીના પગલે સિંગતેલના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો છે.

સ્થાનિક સિંગતેલ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતાં સિંગતેલના ભાવ ટૂંક સમયમાં રૂ. ૧૮૦૦ની સપાટી ક્રોસ કરે તો નવાઇ નહીં. તો બીજી બાજુ ધૂળેટી પૂર્વે તહેવારોની સિઝનમાં વધતી માગને લઇને પણ સિંગતેલના બજારમાં તેજીની ચાલ જોવા મળી છે.

હોળાષ્ટક ઊતર્યા બાદ શુભ માંગલિક કાર્ય પણ શરૂ થતાં હોવાની ગણતરીઓ પાછળ બજારમાં ઓછો સપ્લાય આવતાં સિંગતેલના ભાવમાં મજબૂત ચાલ જોવા મળી છે.

You might also like