સિંગતેલમાં આગેકૂચઃ ટૂંકમાં ૧૮૦૦ ક્રોસ કરવાની શક્યતા

અમદાવાદ: સિંગતેલના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. ટૂંક સમયમાં સિંગતેલના ભાવ ડબે રૂ. ૧૮૦૦ ક્રોસ કરે તેવી મજબૂત શક્યતા જોવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે સિંગતેલ હાલ ૧૭૬૦-૧૭૭૦ની આસપાસ પાછલાં એક સપ્તાહથી સ્થિર જોવા મળ્યું છે ત્યારે હવે ફરી સિંગતેલના બજારમાં સ્ટોકિસ્ટોની લેવાલીના પગલે ૧૮૦૦ની સપાટી કુદાવે તેવી શક્યતા છે.

દિવાળી બાદ સિંગતેલના ભાવમાં મજબૂત સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને પિલાણ માટેની મગફળીના ભાવમાં જોવા મળેલા સુધારાના પગલે ઓઇલ મિલરોએ ઊંચી ખરીદ પડતરને લઈને ભાવ વધારતાં સિંગતેલના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાછલાં સાતથી આઠ સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબે ૨૦૦ રૂપિયાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. એક બાજુ આગામી ૧૦ દિવસ બાદ કમૂરતા ઊતરતાની સાથે જ ફરી એક વાર લગ્નસરા તથા શુભ પ્રસંગોને લઇને માગ વધવાની શક્યતા જોવાઇ રહી છે તો બીજી બાજુ બજારમાં પુરવઠાના સતત અભાવ વચ્ચે સિંગતેલના ભાવમાં મજબૂત સુધારો જોવાઇ શકે.

You might also like