સિંગતેલમાં બે જ સપ્તાહમાં ડબે ૧૭૫ રૂપિયાનો ઘટાડો નોંધાયો

અમદાવાદ: આસો મહિનાને હવે માત્ર ચાર સપ્તાહની વાર છે. રાજ્ય સહિત દેશના અન્ય ભાગોમાંથી પણ પિલાણ માટેની મગફળીની આવક આવવાની ધીમે ધીમે શરૂ થઇ રહી છે ત્યારે આગામી નવરાત્રિથી ઓઇલ મિલો ફરી એક વખત ધમધમશે તથા તેલની આવક વધશે એવા સેન્ટિમેન્ટ પાછળ છેલ્લા માત્ર બે જ સપ્તાહમાં જ સિંગતેલના ભાવમાં રૂ. ૧૭૫થી ૧૮૫ સુધીનો ઘટાડો નોંધાયો છે. મગફળીના વાવેતરમાં ૨૫ ટકાથી વધુનો વધારાે થયાના સમાચાર પાછળ સિંગતેલના ભાવ તૂટ્યા છે.

નોંધનીય છે કે ૧૫ લિટર સિંગતેલના ડબાનો ભાવ ૨,૧૪૦થી ૨,૧૬૦ની સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. સ્થાનિક તેલીબિયાં બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દિવાળી સુધીમાં સિંગતેલના ભાવમાં હજુ ઘટાડો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

હાલ સિંગતેલની પાછળ કપાસિયા તેલના ભાવમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા એક મહિનામાં ૨૦થી ૪૦ રૂપિયાનો ડબે ઘટાડો નોંધાઇને ડબે ૧૩૫૦નો ભાવ જોવા મળ્યો છે.

દિવાળી સુધીમાં ૨૦૦૦ની નીચે ભાવ પહોંચી જશે!
સિંગતેલના ભાવમાં છેલ્લા બે સપ્તાહથી સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. આગામી આસો મહિનામાં સિંગતેલની નવી આવક આવવાની શરૂ થઈ જશે ત્યારે દિવાળી સુધીમાં સિંગતેલના ભાવ ૨૦૦૦થી પણ નીચે જાય તેવી શક્યતા સ્થાનિક વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

તેઓના જણાવ્યા પ્રમાણે શ્રાવણ મહિનાનાન તહેવારો પૂરા થતાં જ સ્ટોકિસ્ટોની ખરીદી બંધ થતાં તથા બીજી બાજુ નવી આવક આવવાના એંધાણ પાછળ સિંગતેલના ભાવમા દિવાળી સુધીમાં ૨૦૦૦ની સપાટીએ પહોંચે તેવી શક્યતા તેલીબિયાં બજારના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.

You might also like