સિંગતેલના ભાવ ઊછળ્યાઃ ૧૮૦૦ની સપાટી પાર કરી

અમદાવાદ: સિંગતેલના ભાવમાં મજબૂત સુધારા તરફી ચાલ નોંધાતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં સૌરાષ્ટ્ર સહિત અમદાવાદના બજારમાં સિંગતેલની સ્ટોકિસ્ટોની ઊંચી માગના પગલે સિંગતેલના ભાવે ૧૮૦૦ રૂપિયાની સપાટી ક્રોસ કરી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પિલાણ માટેની મગફળીનો સ્ટોક ખૂટતા કેટલીક ઓઇલ મિલોએ કામકાજ બંધ કર્યાં હોવાના બહાર આવેલા સમાચારની અસરથી સિંગતેલના ભાવમાં પાછલાં ચાર-છ સપ્તાહથી મજબૂત સુધારા તરફી ચાલ નોંધાતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ફરી એક વખત સિંગતેલના ભાવે ૧૮૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે રિટેલમાં માગ જળવાઇ રહેતા તેની સામે સપ્લાય અપૂરતો છે.
તેના કારણે સિંગતેલના ભાવને સપોર્ટ મળ્યો છે.

પાંચ સપ્તાહમાં ૨૦૦ રૂપિયાનો ઉછાળો
સિંગતેલના ભાવમાં પાછલાં પાંચ સપ્તાહમાં ૨૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં સિંગતેલના ભાવ ૧૬૪૦થી ૧૬૫૦ની આસપાસ ડબે જોવાતા હતા, જે હાલ વધીને ૧૮૦૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળે છે. સ્થાનિક કાલુપુરના તેલીબિયાં બજારના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે બજારનું સેન્ટિમેન્ટ જોતાં આ વખતે સિંગતેલના ભાવમાં મજબૂત સુધારા તરફી ચાલ જોવાય તેવી શક્યતા પ્રવર્તી રહી છે. તે જોતાં ટૂંકા સમયગાળામાં જ હજુ વધુ સુધારો આવે તેવી શક્યતા છે.

http://sambhaavnews.com/

You might also like