સિંગતેલના ભાવમાં વધુ ઘટાડોઃ રૂ.૧૪૫૦ની સપાટી તોડી નીચે

અમદાવાદ: ખાદ્યતેલના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાંથી પામ તેલ સહિત વિવિધ આયાતી ખાદ્યતેલની આવક વધતાં તો બીજી બાજુ સિઝનની સિંગદાણાની નવી આવકો આવવાની શરૂઆત થતાની સાથે જ સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવમાં વધુ ગાબડાં પડ્યાં છે. આજે શરૂઆતે સિંગતેલના ભાવ રૂ. ૧,૪૫૦ની સપાટી તોડી નીચે જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાછલા બે મહિનામાં ડબે સિંગતેલના ભાવમાં ૧૫૦થી ૧૭૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. એક બાજુ પાછલા ચાર-છ મહિનામાં ડોલર સામે રૂપિયામાં જોવા મળી રહેલી ઘટાડાની ચાલના પગલે આયાતી ખાદ્યતેલની પડતરમાં જોવા મળેલ ઘટાડો તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં પણ જોવા મળી રહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડાના પગલે સિંગતેલના ભાવમાં સતત નરમાઇ જોવા મળી રહી છે.

સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના હળવદ સહિતના વિસ્તારોમાં પિલાણ માટેની સિંગદાણાની નવી આવક આવવાની શરૂ થઇ ગઇ છે.

આગામી એકથી બે સપ્તાહમાં રાજકોટ તથા ગોંડલ બાજુથી પણ પિલાણ માટેની મગફળીની આવક શરૂ થઇ જવાની ગણતરી સેવાઇ રહી છે ત્યારે દશેરા સુધીમાં સિંગતેલના ભાવમાં ડબે વધુ ગાબડાં પડે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી બેથી ત્રણ સપ્તાહમાં સિંગતેલના ભાવ ૧૪૦૦થી ૧૪૨૦ની સપાટીએ પહોંચે તેવી મજબૂત સંભાવનાઓ જોવા મળી રહી છે.

You might also like