મગફળી ગોડાઉન આગઃ SITએ CCTV ફૂટેજ લીધા, મગફળી સગેવગે થઈ હોવાની પણ શક્યતા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ માટે SITએ સઘન તપાસ શરૂ કરી છે. SIT દ્વારા રીબડા અને ઉપલેટા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ કબજે લેવામાં આવી છે. આગ લાગી તે પહેલાની સ્થિતિ શું હતી તે પણ SIT તપાસ કરશે.

મગફળી ગોડાઉનમાં જતા પહેલા સગેવગે કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે. ગોંડલની ઑક્સફર્ડ ઈન્ટરનેશનલ સ્કૂલના સીસીટીવી ફૂટેજ પણ SIT દ્વારા મેળવી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કે તેને હોલવવા માટે પાંચ દિવસ લાગ્યા હતા. આખા ગોંડલને 10 દિવસ સુધી ચાલી રહે તેટલું પાણી આ આગ હોલવવા માટે વપરાયું હતું. આ આગમાં 2 લાખ મગફળીની ગુણીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના બાદ હોબાળો થતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

આ તપાસ દરમ્યાનમાં રાજ્ય સરકારે ખેડૂતોને વિડીયોગ્રાફી વગર મગફળીની ખરીદી ન કરવા અને જીપીએસ સિસ્ટમવાળા વાહનોમાં જ ખરીદેલી મગફળીની હેરફેર કરવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં રૂ.30 કરોડની કિંમતનો મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. રહસ્યમય સંજોગોમાં લાગેલી આ આગના કારણે જુદા જુદા સંગઠનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા આ આગ લગાવાઇ હોવાનો આક્ષેપ થતાં આ આખો મામલો ભારે ચકચારી બન્યો છે. આ સંજોગોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઇકાલે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી હતી.

સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાયા બાદ ગઇકાલે જ સીઆઇડી દ્વારા સિટની રચના કરવામાં આવી હતી. જેમાં સાત પોલીસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. સિટની રચના થયાના થોડા કલાકો બાદ જ તપાસનીસ ટીમે ગોંડલ પહોંચી જઇ ઘટનાસ્થળની મુલાકાત લઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. સિટની આ ટીમની કામગીરીનું સુપરવિઝન ડીઆઇજી દિપાંકર ત્રિવેદી કરી રહ્યા છે. આ સંજોગોમાં આજે સિટની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ તેનો અભ્યાસ કરી જો ગુનાઇત કૃત્ય જણાશે તો ફરિયાદ દાખલ કરવામાં આવનાર હોવાનું આધારભૂત સાધનો દ્વારા જાણવા મળે છે.

You might also like