મગફળીની નિકાસ ઘટી છતાં સિંગતેલના ભાવ વધ્યા

અમદાવાદ: મગફળીની નિકાસમાં ૩૦ ટકાનો ઘટાડો આવ્યો છે. સૌથી મોટા આયાત કરતા દેશ વિયેતનામ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે સ્થાનિક બજારમાં મગફળીની ઊંચી કિંમતના કારણે મગફળીની નિકાસમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે, જોકે નિકાસ ઘટી હોવા છતાં સ્થાનિક બજારમાં સટ્ટાકીય લેવાલીના કારણે સિંગતેલનો ભાવ ૨૧૦૦ની સપાટીએ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫-૧૬માં મગફળીની નિકાસમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓછા ઉત્પાદનના કારણે મગફળીના ભાવ પણ મજબૂત જોવાયા છે. ભારતમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં ૭,૮૮,૩૦૭ ટન મગફળીની નિકાસની સરખામણીએ વર્ષ ૨૦૧૫-૧૬માં ૫,૩૬,૯૨૯ ટન મગફળીની નિકાસ થઇ હતી.

ઓઇલ સીડ્સ એન્ડ પ્રોડક્શન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે નીચી ગુણવત્તાના કારણે વિયેતનામે એપ્રિલથી જાન્યુઆરી-૨૦૧૬ સુધી મગફળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેના પરિણામે નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.

વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ મગફળીની ગુણવત્તાને લઇને િનયમો સખત બનાવી દીધા છે. પાછલા વર્ષે વરસાદની અનિયમિતતાના કારણે મગફળીનો પાકનો ઉતાર ઘટ્યો હતો. દરમિયાન સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિંગતેલ ડબે રૂ. ૨૧૦૦ની સપાટી ક્રોસ કરે તેવાં મજબૂત એંધાણ વરતાઇ રહ્યાં છે.

You might also like