ખાદ્યતેલોના ભાવમાં ઘટાડાની ચાલ અટકશે

અમદાવાદ: મગફળીની નવી આવક આવવાને હવે માત્ર છથી આઠ સપ્તાહની વાર છે. તે પૂર્વે સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલોના ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. સિંગતેલનો ભાવ ડબે ૧૫૦૦ની સપાટીએ પહોંચી ગયો છે ત્યારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે તથા રિફાઇન્ડ મિલોને રાહત મળે તે હેતુથી સરકારે આયાત ડ્યૂટીમાં વધારો કરી દીધો છે. આ વધારાથી આગામી દિવસોમાં સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડાની ચાલ અટકી શકે છે. નોંધનીય છે કે સરકારે આજથી કાચા પામ તેલની આયાત ડ્યૂટીને ૭.૫ ટકાથી વધારીને ૧૫ ટકા કરી દીધી છે, જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ પર આયાત ડ્યૂટી ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરી દીધી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. સોયા તથા સૂરજમુખી જેવા અન્ય કાચા ખાદ્યતેલો માટે આયાત ડ્યૂટીને ૧૨.૫ ટકાથી વધારીને ૧૭.૫ ટકા કરી દીધી છે.

વૈશ્વિક બજારમાં રિફાઇન્ડ પામ ઓઇલ તથા અન્ય ખાદ્યતેલોના ભાવ નીચા છે અને તેના કારણે સ્થાનિક બજારમાં મલેશિયા અને ઇન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં રિફાઇન્ડ પામ ઓઇલ તથા અન્ય કાચાં ખાદ્યતેલોની આયાત થાય છે. આયાત ડ્યૂટીમાં વધારો થવાના કારણે ઘરઆંગણે ઘટતા જતા ભાવને ટેકો મળશે.

You might also like